એરબેઝમાં બ્લાસ્ટ, ૫૦ કલાક બાદ પણ ઓપરેશન જારી

પઠાણકોટ: પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર થયેલા આતંકી હુમલામાં સતત આજે ત્રીજા દિવસે પણ લશ્કરનું ઓપરેશન જારી છે. આજે સવારે એરબેઝની અંદર ક્વિક રિએકશન ટીમ (ક્યુઆરટી) મોકલવામાં આવી છે. એવું કહેવાય છે કે એરબેઝમાં હજુ પણ ફાયરિંગ જારી છે.

લશ્કરી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૫૦ કલાક બાદ પણ આજે ઓપરેશન જારી છે. એરબેઝની અંદર રોકાઈ રોકાઈને ફાયરિંગ થઈ રહ્યું છે. સેનાની નવી ટીમને અંદર મોકલવામાં આવી છે. સાથે હેલિકોપ્ટર દ્વારા એરિયા પર નજર રાખવામાં આવી રહી છે. એરબેઝમાં સર્ચ દરમિયાન એક વાર ફરીથી બ્લાસ્ટ થયાના અહેવાલ છે.
આ અગાઉ રવિવારે બપોરે ૧૨-૧૫ વાગ્યે પણ એરબેઝમાં બીજી વાર ફાયરિંગ થવા લાગ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન નિષ્ક્રિય કરતી વખતે એક બોમ્બ ફાટતાં સેનાના એક વરિષ્ઠ અધિકારી શહીદ થયા હતા. સુરક્ષા દળોએ બીજી વખત ઓપરેશન શરૂ કરીને બપોરે છઠ્ઠા આતંકવાદીને ઠાર માર્યો હતો.

કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહ‌િર્ષએ જણાવ્યું હતું કે બે આતંકી એરબેઝમાં મોજૂદ છે અને ઓપરેશન જારી છે. તેમણે જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં ઓપરેશન પૂરું થશે. ગૃહસચિવના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સાત જવાનો શહીદ થયા છે અને ૧૬ જવાનો જખમી થયા છે.

એર બસ ૩૦થી ૪૦ કિ.મી. એરિયામાં ફેલાયેલ છે. ત્રાસવાદીઓની શોધખોળ ૧૨ કિ.મી.ની ત્રિજ્યાવાળા વિસ્તારમાં ચાલી રહી છે. આતંકીઓ એક ઈમારતમાં છુપાયેલા છે અને તેઓ બંને બાજુથી ફાયરિંગ કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બે આતંકવાદી અંદર છે.

દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પઠાણકોટ એરફોર્સ મથક પર થયેલા આતંકી હુમલા અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ સચિવ એસ. જયશંકર સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પણ એક બેઠક બોલાવી હતી, જેમાં રો અને આઈબીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

You might also like