મણિપુરમાં સરહદે આઇઈડી બ્લાસ્ટઃ અનેક જવાન ઘાયલ

ઈમ્ફાલઃ મણિપુરમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે આજે સવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક જવાન ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર આ વિસ્ફોટ ટ્રાન્સ એશિયન હાઈવે ૧૦૨ સાથે સંકળાયેલ લોકચાવો અભયારણ્ય નજીક રિમોટ કન્ટ્રોલથી કરવામાં આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે ૧૬૫ ટેરિટોરિયલ આર્મીના જવાનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ બોમ્બ હુમલામાં ચાર જવાનો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.અધિકારીના જણાવ્યા પ્રમાણે ઘાયલ થયેલા જવાનોને ઈમ્ફાલ નજીક લેમાકોંગની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દ્વારા ચાર જવાનને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે એવી શંકા વ્યક્ત કરી છે કે આ વિસ્ફોટમાં અનેક લોકોની ખુવારી થયાની દહેશત છે.

આ અગાઉ મણિપુરમાં શકમંદ ત્રાસવાદીઓએ શુક્રવારે ત્રણ આદિવાસીઓનું અપહરણ કરીને તેમાંથી બેને ગોળી મારીને ઠાર માર્યા હતા. ત્રીજો અપહૃત લાપતા છે. રાજ્યમાં ભાજપની સરકાર ગયા મહિને રચાયા બાદ આ પ્રકારની પ્રથમ ઘટના બની છે.

પોલીસ અને અર્ધલશ્કરી દળોએ હત્યારાઓની ધરપકડ કરવા વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શકમંદ ત્રાસવાદીઓએ ત્રણ કૂકી આદિવાસીઓનાં તેમના ઘરેથી અપહરણ કર્યાં હતાં. એકનું ઈમ્ફાલ પૂર્વમાંથી અને અન્ય બેનું કાંગપોકપી જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.

જે બે અપહૃતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તેમાં એકની ઓળખ એન. હાઓકીપ અને બીજાની નેનખોલિંન તરીકે થઈ છે. તેમની લાશ વહેલી પરોઢિયે ત્રણ વાગ્યે કોંગપોકપી જિલ્લાના ખોખેન ગામની નજીક મળી હતી. ત્રીજા અપહૃત જામ ખોલીનનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. અત્યાર સુધી કોઈએ અપહરણ કે હત્યાની જવાબદારી લીધી છે.
http://sambhaavnews

You might also like