બે પીઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓની ધરપકડના ભણકારા

અમદાવાદ: વર્ષ ર૦૧રમાં શાહીબાગ વિસ્તારમાં આવેલા વેરહાઉસમાં વિધાનસભાની ચૂંટણી માટેના સ્ટ્રોંગરૂમ બહાર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મીઓએ માર મારીને જાતિવાચક શબ્દો બોલવાના કેસમાં એસટીએસસી સેલ બે પીઆઇ એક પીએસઆઇ તથા કોન્સ્ટેબલની ધરપકડ કરે તેવી શક્યતાઓ છે. કોન્સ્ટેબલે કરેલા આગોતરા જામીનને રદ કરવા માટે એસટીએસસી સેલના એસીપીએ સેશન્સ કોર્ટમાં રજૂ કરેલા એફીડેવિટમાં ખુલાસો કર્યો છે. કોર્ટે તમામ દલીલો સાંભળતા કોન્સ્ટેબલના આગોતરા જામીન ફગાવ્યા છે.

ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો ર૦૧રમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન શાહીબાગ વેરહાઉસમાં સ્ટ્રોંગરૂમ પાસે હથિયારધારી કોન્સ્ટેબલ રાજેશભાઇ ચૌહાણ ફરજ બજાવતા હતા તે સમયે શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હથિયારધારી પીઆઇ એસ.આર.તોમર અને એમ.આર.ચૌધરી તથા હથિયારધારી પીએસઆઇ જે.એચ.રાજપૂત, તથા હથિયારધારી કોન્સ્ટેબલ નરોવતસિંહ સ્ટ્રોંગરૂમ પાસે આવી હતા. જ્યાં કોન્સ્ટેબલ રાજેશ ચૌહાણ પાસે હથિયારનું ચેકિંગ કરતા તેની પાસે કેટલાક કારતૂસ છે તે ચેકિંગ કર્યું હતું.

રાજેશ ચૌહાણે તેની પાસે રહેલી 40 કારતૂસ બતાવી હતી અને બંદૂકમાં લોડ કરેલી 5 કારતૂસ કાઢીને બતાવી હતી.. કારતૂસ ચેકિંગ કરીને રાજેશે ફરીથી બંદૂકમાં ફરીથી કારતૂસ લોડ કરતાં પીઆઇ તોમર ઉશ્કેરાઇ ગયા હતા અને તેને માર મારીને તેની ઉપર બંદૂક ટાંકવાનો તથા ફરજ પર દારૂ પીવાનો કેસ કરી નાખ્યો હતો. જેમાં રાજેશે કોર્ટ સમક્ષ પીઆઇ તોમર સહિત અન્ય લોકો જાતિવાચક શબ્દો બોલીને માર મારવાની ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે તમામ આરોપી સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ કેસમાં એસટીએસસી સેલે તપાસ કરતા બે પીઆઇ સહિત 4 પોલીસની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તમામ આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તેમ છતાંય કોઇ હાજર ના રહેતા આ કેસમાં કોન્સ્ટેબલ નરોવતસિંહે હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી કરી હતી જે અરજી હાઇકોર્ટે ફગાવી હતી. ધરપકડથી બચવા માટે નરોવતસિંહ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફાઇલ કરી હતી જેમાં એસટીએસસી સેલના એસીપીએ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી કે 4 આરોપીઓને જામીન મળતા ફરિયાદીને નુકસાન થાય તેમ છે અને તેમની ધરપકડ બાકી હોવાથી આગોતરા રદ કરવા જોઇએ તદઉપરાત સરકારી વકીલ કુલદીપ શર્માએ પણ હાઇકોર્ટે ફરિયાદ રદ કરવાની પિટિશન ફગાવી છે અને એટ્રોસીટીમાં આગોતરા જામીનના મળે તેવી રજૂઆત કરતાં કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી છે

You might also like