ગુવાહાટીમાં મિનિટોના ગાળામાં જ બે બોંબ બ્લાસ્ટથી ભારે દહેશત

ગુવાહાટી: આસામના પાટનગર ગુવાહાટીમાં જેલ રોડ સ્થિત ફેંસી બજારમાં ઓછી તીવ્રતાના બે બ્લાસ્ટ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ વિસ્ફોટકને કચરાના ઢગલામાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઊંડી તપાસ હાથ ધરી હતી. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ સુધી વધારે વિગત મળી રહી નથી પરંતુ આ બ્લાસ્ટ થયા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. બ્લાસ્ટની પાછળ કોનો હાથ છે તે અંગે માહિતી મળી શકી નથી પરંતુ આ ઘટના પાછળ ઉલ્ફા ત્રાસવાદી સંગઠનનો હાથ હોઈ શકે છે.

છેલ્લા દિવસોમાં ઉલ્ફા દ્વારા પૂર્વીય આસામમાં હિન્દી ભાષી લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ અગાઉ પરેશ પરુઆના નેતૃત્વમાં ઉલ્ફા ત્રાસવાદી સંગઠન એવી ઘટનાઓને અંજામ આપતું રહ્યું છે. વાણિજ્ય પાટનગરમાં કરવામાં આવેલા આ બ્લાસ્ટ ત્રણ મિનિટના ગાળામાં થયા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ બે લોકો જે ડસ્ટબિનની નજીક હતા તેમને ઇજા થઇ હતી. પોલીસનું કહેવું છે કે, મંત્રણા વિરોધી ઉલ્ફા ઉપર પ્રાથમિકરીતે શંકા જઇ રહી છે. ફેંસી બજારમાં મુખ્યરીતે હિન્દીભાષી કારોબારીઓ માટેના મોટા ગઢ તરીકે ગણવામાં આવે છે. પહેલી ડિસેમ્બરના દિવસે ઉલ્ફા બંડખોરોએ દિબ્રુગઢ જિલ્લામાં નમરુપ ખાતે પ્લાન્ટમાં હુમલો કર્યો હતો જેમાં પણ બે લોકો ઘાયલ થયા હતા.

આ બ્લાસ્ટ થયા બાદ તમામ જગ્યાઓ ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં અનેક આતંકવાદી હુમલા માટે જવાબદાર સંગઠન લશ્કરે તોઇબા હાઈપ્રોફાઇલ લોકોને ટાર્ગેટ બનાવી રાષ્ટ્રીય પાટનગરમાં આત્મઘાતી હુમલા કરવાની ખતરનાક યોજના ધરાવે છે. દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં આ મુજબનો દાવો કરાયો છે. દિલ્હી પોલીસ આત્મઘાતી હુમલા કરવા માટે કાવતરા ઘડી ચુકેલા તોઇબાના ખતરનાક શકમંદોની શોધખોળ કરી રહી છે. આ કાવતરાનો પર્દાફાશ હાલમાં જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવ્યો હતો. દુજાના અને અક્શા નામના બે તોઇબાના શકમંદો પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર મારફતે જમ્મુ કાશ્મીરમાં ઘૂસી ગયાના અહેવાલ મળ્યા છે. આ અહેવાલ મળ્યા બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. પહેલી ડિસેમ્બરના દિવસે આઈપીસીની કલમ ૧૨૦બી અને અન્ય સંબંધિત કલમો હેઠળ લોધી કોલોનીમાં સ્પેશિયલ સેલ ઓફિસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

You might also like