બિહાર-ઝારખંડના અનેક વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

રાંચી: બિહાર અને ઝારખંડના કેટલાય જિલ્લાઓમાં આજે સવારે ભૂકંપના જોરદાર ઝાટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાના કારણે લોકો ગભરાટના માર્યા રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપ આજે સવારે ૮.૦૫ કલાકની આસપાસ આવ્યો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી.

આજે સવારે આવેલા આ ભૂકંપના આંચકા ઝારખંડમાં રાંચી સહિત ધનબાદ, દૂમકા, દેવઘર, બોકારું, ગીરીડીહ, જામતારા અને બિહારમાં મુંગેર સહિત જમ્મુઈના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી નિયમિત રીતે દેશના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવી રહ્યા છે. પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ છે જે સતત ફરી રહી છે. જ્યાં આ પ્લેટ વધુ ટકરાઈ છે તેને ફોલ્ટ લાઈન કહેવામાં આવી છે. વારંવાર ટકરાવાથી પ્લેટસના ખૂણા વળી જાય છે અને જ્યારે વધુ દબાણ આવે છે ત્યારે પ્લેટસ તૂટવા લાગે છે અને આવા સંજોગોમાં નીચેની એનર્જી બહાર આવવા માટે રસ્તો શોધે છે અને તેના કારણે ડિસ્ટબર્સ પછી ભૂકંપ આવે છે.

અર્થ ક્વેક ટ્રેક એજન્સીના જણાવ્યા અનુસાર હિમાલયન બેલ્ટની ફોલ્ટ લાઈનના કારણે એશિયાઈ વિસ્તારોમાં વધુ ભૂકંપ આવે છે. આ બેલ્ટમાં હિંદુ કુશ પ્રદેશનો સમાવેશ થાય છે. આ વર્ષે એપ્રિલ મેમા નેપાળમાં આવેલા ભૂકંપના કારણે ૮,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં.

You might also like