સિયાચીન નજીક શક્સગમ ખીણમાં ચીન દ્વારા ૩૬ કિમી લાંબી સડકનું નિર્માણ

સિયાચીન: સરહદી વિસ્તારમાં ચીનની વિસ્તારવાદી નીતિનો એક વધુ નાપાક પુરાવો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને પાક હસ્તકના કાશ્મીર (પીઓકે)માં લશ્કરી મથકોની આસપાસ ૩૭ કિમી લાંબી સડકનું નિર્માણ શરૂ કરી દીધું છે. આ સડક ચીને પાકિસ્તાને પોતાને આપેલા વિસ્તારમાં બનાવવામાં આવી છે. આ સડક નિર્માણથી ભારત સાથે જોડાયેલી સરહદ સુધી ચીની સૈન્યની પહોંચ વધુ સરળ બની જશે.

ચીને પાક. હસ્તકના કાશ્મીરની શક્સગમ ખીણમાં આ સડકનું નિર્માણ શરૂ કર્યું છે. આ વિસ્તાર ભારત-ચીન સરહદે વાસ્તવિક અંકુશરેખા નજીક આવેેલ સિયાચીનની નજીક છે. અહીં પાકિસ્તાને ચીનને જમીન ભેટમાં આપી હતી, જ્યાં ચીને સડક નિર્માણ શરૂ કર્યું છે.

અહેવાલો અનુસાર ચીન અહીં ૩૬ કિમી લાંબી સડક બનાવી રહ્યું છે. એવું કહેવાય છે કે શક્સગમ ખીણના ઉત્તર કિનારે આ નવી સડકનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ ચીન અત્યાર સુધીમાં ત્યાં સાત મીટર પહોળાઇ ધરાવતી ર૧.૩ કિ.મી. લાંબી સડકનું નિર્માણ કરી ચૂકયું છે અને બાકીની ૧૪.પ કિ.મી. લાંબી સડકનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.

આ માહિતી ગૂગલ દ્વારા મળી છે. ગૂગલ અર્થ ઇમેજ દ્વારા આ વિસ્તારમાં આ પ્રવૃત્તિ જોવા મળી છે, તેમાં બે નવી પોસ્ટ અને પાંચ કન્સ્ટ્રકશન કેમ્પ પણ જોવા મળ્યા છે. ડોકલામ વિવાદ બાદ પણ ચીન દ્વારા અહીં કેમ્પનું નિર્માણ અને આસપાસના વિસ્તારમાં અવરજવરને સરળ બનાવવા માટે સડક નિર્માણ કરી રહ્યું છે.

ભારતીય સરહદમાં ચીનનાં હેલિકોપ્ટરોની ઘૂસણખોરી
ચીન પોતાની હરકતો બંધ કરવાનું નામ લેતું નથી. વધુ એક વાર ચીનનાં હેલિકોપ્ટર ભારતની હવાઇ સીમામાં ઘૂસી આવ્યાં હતાં. ચીનના હેલિકોપ્ટર અંકુશરેખા પાર કરીને ભારતીય સરહદની અંદર ઘૂસી ગયાં હતાં. છેલ્લા એક મહિનામાં ચોથી વાર ચીનનાં હે‌િલકોપ્ટર ભારતીય હવાઇ સીમામાં ઘૂસી ગયાં હતાં.

ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર ઉત્તરાખંડના બરાહોતી, લદ્દાખના ટવીય હાઇટ, લદાખથી બુર્તસે અને ડેપસાંગમાં ચીની હેલિકોપ્ટરોએ ઘૂસણખોરી કરી હતી. આ અગાઉ ૧૦ માર્ચ, ર૦૧૮ના રોજ ચીની સેનાનાં ત્રણ હે‌િલકોપ્ટર બરાહોતીમાં ઘૂસી ગયાં હતાં. આ હેલિકોપ્ટર ભારતની સરહદની ચાર કિ.મી. અંદર ઘૂસી આવ્યાં હતાં. આ ઉપરાંત ૮ માર્ચ, ર૦૧૮ના રોજ પણ લદાખના ટ્રેક જંકશનમાં ચીનના બે હેલિકોપ્ટરોએ ઘૂસણખોરી કરી હતી. અત્યાર સુધી ચીને ૪પ વખત ઘૂસણખોરી કરી છે.

You might also like