આજની ટ્વેન્ટી-૨૦ મેચમાં ભારતની પ્રતિષ્ઠા દાવ ઉપર

રાંચી : ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે રાંચીમાં બીજી ટ્વેન્ટી-૨૦ મેચ રમાનાર છે. આ મેચમાં ભારતની પ્રતિષ્ઠા દાવ પર રહેશે. કારણ કે પુણેમાં રમાયેલી પ્રથમ મેચમાં શ્રીલંકાએ ભારત પર ૧૨ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી. હોટફેવરીટ ગણાતી ધોનીની ટીમની કારમી હાર થતા ક્રિકેટ ચાહકો ભારે આશ્ચર્યચકિત થયા હતા. કારણ કે ભારત સામે હાલમાં રમી રહેલી શ્રીલંકાની ટીમને ખુબ નબળી ગણવામાં આવી રહી છે.

જ્યારે બીજી બાજુ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. ભારતના તમામ સ્ટાર બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયાને તેની જ જમીન પર ટ્વેન્ટી-૨૦ જંગમાં કારમી હાર આપનાર ભારતીય ટીમ ફ્લોપ રહી હતી. ભારત તરફથી રોહિત શર્મા, શિખર ધવન, રહાણે, વિરાટ કોહલી અને યુવરાજ સહિતના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા.

કેપ્ટન ધોની પણ ફ્લોપ રહ્યો હતો. હવે આવતીકાલની મેચમાં તમામ આ ખેલાડીઓના દેખાવ પર ચાહકોની નજર રહેશે. એકબાજુ શ્રીલંકા ટ્વેન્ટી શ્રેણીને જીતીને ઇતિહાસ સર્જવાના પ્રયાસ કરશે જ્યારે બીજી બાજુ ભારત ટ્વેન્ટી-૨૦ શ્રેણીને સજીવન રાખવાના પ્રયાસ કરશે.પ્રથમ મેચમાં દેખાવને જોતા આ મેચ ખુબ રોમાંચક બની શકે છે.

શ્રીલંકાના તમામ યુવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યા છે. ખાસ કરીને શ્રીલંકાના બોલર ઘાતક દેખાઇ રહ્યા છે. રાંચીમાં રમાનારી મેચને લઇને ધોનીના ચાહકો વધારે ઉત્સાહિત છે. તે લોકલ હિરોની ફરી એઅક તોફાની બેટિંગ જોવા માંગે છે. મેચની તમામ ટિકિટ વેચાઇ ગઇ હોવાના અહેવાલ મળ્યા છે.

You might also like