બાંગ્લાદેશને હરાવી વેસ્ટઈન્ડિઝ ભારત સામે ફાઈનલમાં ટકરાશે

મીરપુર : શમર સ્પ્રિંગરના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી વેસ્ટઈન્ડિઝે આજે અહીંયા એક રોમાંચક મુકાબલામાંયજમાન બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવી આઈસીસી અંડર-૧૯ વિશ્વકપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ફાઈનલમાં તેમનો સામનો ત્રણ વખતની ચેમ્પિયન ભારત સામે થશે.બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝ સામે ૨૨૭ રનનું લક્ષ્ય મૂકયું હતું. જેને પાર કરવા વિન્ડિઝના સ્પ્રિંગરે ૮૮ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ ૬૨ રનની શાનદાર ઈનિંગ રમી હતી.

આ ઉપરાંત કપ્તાન શિમરાન હેટમેયર ૬૦ અને ઓપનિંગ બેટસમેન ગિડરોન પોપે ૩૮ રનનું ઉપયોગી યોગદાન આપતા વેસ્ટઈન્ડિઝે ૪૮.૪ ઓવરમાં સાત વિકેટે ૨૩૦ રન બનાવી બીજી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે. આગામી ૧૪ ફ્રેબ્રુઆરીને રવિવારે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ફાઈનલ રમાશે. આ અગાઉ બાંગ્લાદેશ ટીમ તરફથી કપ્તાન મહેંદી હસન મિરાજે ૬૦ જયારે મોહમ્મદ સૈફુદ્દીને ૩૬ અને જોએરાજ શેખે ૩૫ રનનું યોગદાન આપ્યું હતું.

વેસ્ટઈન્ડિઝ તરફથી કીમો પાલે ૨૦ રનમાં ત્રણ વિકેટ જયારે સ્પ્રિંગર અને શેમાર હોલ્ડરે બે-બે વિકેટ ઝડપી હતી. વેસ્ટઈન્ડિઝે સારી શરૂઆત કરી પરંતુ તેની નિયમિત અંતરે વિકેટ ગુમાવતા તેને લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. બાંગ્લાદેશ માટે સાલેહ અહમદ શાવને ૩૭ રન આપી ત્રણ જયારે મોહમ્મદ સૈફુદ્દીન અને મહેંદી હસન મિરાજે બે-બે વિકેટ મેળવી હતી પરંતુ તેમનું ઓલરાઉન્ડ પ્રદર્શન અંતમાં સ્પ્રિંગરના પ્રયત્ન આગળ બેકાર પૂરવાર થયું હતું.

અંડર-૧૯માં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી નવ મેચ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે સાતમાં જીત મેળવવામાં સફળ રહી છે. જયારે વેસ્ટઈન્ડિઝે બે મેચ જીતી છે. વેસ્ટઈન્ડિઝ આ અગાઉ ૨૦૦૪માં આઈસીસી અંડર-૧૯ વિશ્વકપની ફાઈનલમાં પહોંચ્યું હતું. સંજોગોવસાત ત્યારે પણ ટૂર્નામેન્ટની યજમાની બાંગ્લાદેશમાં હતી. પાકિસ્તાને ત્યારે વિન્ડિઝને ફાઈનલમાં ૨૫ રને હરાવ્યું હતું.

You might also like