થર્ટી ફર્સ્ટની પીવાની પાર્ટી નવું વર્ષ બગાડી શકે છે!

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં ઇસુના નવા વર્ષને વધાવવાનો થનગનાટ જોવા મળે છે, જોકે આગામી તા. ૩૧ ડિસેમ્બરે દારૂ પીતાં પોલીસના હાથે પકડાઇ જનારાઓનું નવું વર્ષ ખરાબ રીતે બગડવાનું છે, કેમ કે આજથી ગુજરાતમાં કડક દારૂબંધીનો અમલ શરૂ થઇ ગયો છે. હવેથી પહેલી વખત પકડાતા નશાખોરોને પણ છ મહિનાની કેદ અને ૧૦૦૦નો દંડ ચૂકવવો પડશે. જ્યારે દારૂ પીને છાકટા થઈને ઉપદ્રવ કરનારાઓને ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ એમ બંને શિક્ષાઓ થશે. જ્યારે પોલીસને ફરજમાં અડચણ કે હુમલો કરતા દારૂના બુલેટગરો અને ખેપિયાઓને પાંચ વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ સુધીનો દંડ ફટકારવાની પણ કાયદામાં જોગવાઈ કરાઈ છે.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાજ્ય સરકારના દારૂબંધીના કાયદાને કડક બનાવતાં સુધારા સાથેનાં બિલને આજે મંજૂરી આપી દીધી છે. આજથી જ રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાનો અમલ શરૂ થઇ ગયો છે. દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વધુમાં કહે છે કે દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે સ્ટેટ મોનિટરિંગ સેલની સ્થાપના કરાઇ છે. આ સેલના વડા તરીકે ડીઆઇજી હસમુખ પટેલને વિશેષ જવાબદારી સોંપાઇ છે. એકાદ અઠવાડિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટોલ ફ્રી નંબરની પણ જાહેરાત કરાશે. સામાન્ય નાગરિકો આ ટોલ ફ્રી નંબર પર દારૂના અડ્ડા, બુટલેગરોની પ્રવૃત્તિથી લઇને પોલીસ સાથેની સાઠગાંઠ વગેરે તમામ પ્રવૃત્તિઓની ફરિયાદ કે માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને આપી શકશે.

૨૫થી ૩૧ ડિસેમ્બર વચ્ચે રાજ્યભરમાં વાહન ચેકિંગ, હોટલ, ગેસ્ટહાઉસ, ફાર્મહાઉસ, હોસ્ટેલમાં રેડની સાથે સાથે પોલીસને પણ બ્રિથ એનેલાઇઝર અપાશે તેમ પણ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. દારૂબંધીના કાયદાના કડક અમલ માટે હોર્ડિંગ્સ, બેનર્સ તેમજ સોશિયલ મીડિયા સહિતના જનજાગૃતિના તમામ માધ્યમોનો વ્યાપકપણે પણ ઉપયોગ કરાશે.
http://sambhaavnews.com/

You might also like