જંક ફૂડની આદતથી અમેરિકન મહિલાનું વજન ૩૧૭ કિલો થઈ ગયું

વોશિંગ્ટન: જંક ફૂડની આદતથી કેટલું નુકસાન થાય છે તે અમેરિકાના ફાયટેવિલેમાં રહેતી મહિલા મિલા કલાર્કને મળવાથી જાણવા મળ્યું છે, જંક ફૂડની આદતથી તેનું વજન ૩૧૭ કિલો થઈ ગયું છે. પાંચ બાળકોની માતા અેવી મિલા કલાર્ક કે જેણે ચાર બાળક દત્તક લીધાં છે. તેની જંક ફૂડ ખાવાની આદતથી તેનું વજન અેટલું વધી ગયું છે કે તે હવે કોઈ કામ કરી શકતી નથી. તે છેલ્લા કેટલાક સમયથી પથારીવશ છે. તેને તેનાં તમામ કામ માટે પતિ અને બાળકો પર નિર્ભર રહેવું પડે છે. તેનાં બાળકો તેની હાલત જોઈને તે જે ચીજ ખાવા ઈચ્છે છે તે આપે છે.

૪૭ વર્ષની આ મહિલાનું વજન અેટલું વધી ગયું છે કે તે જાતે સ્નાન કરી શકતી નથી કે ઊભી થઈ શકતી નથી. તેને ઊભાં થતી વખતે બીજાનો સહારો લેવો પડે છે. મિલાની આ સમગ્ર કહાણીને ટીએલસીના પ્રોગ્રામ માય ૬૦૦ લાઈફમાં દર્શાવવામાં આવશે. આ મહિલાની તબિયત સારી કરવા ડોક્ટરો તમામ પ્રયાસ કરી રહ્યા છે. જંક ફૂડની આદતથી મિલાનું વજન ૩૧૭ કિલો થઈ ગયું છે.

તેથી મિલાની જિંદગી કોઈ સજાથી ઓછી નથી. સતત વધી રહેલા વજનથી આ મહિલાને અનેક બીમારી થવાનો ખતરો છે. જો તેનું વજન આ પ્રકારે જ વધતું રહેશે તો તેનું ગમે ત્યારે મોત થશે. મિલાનાં પરિવારજનો તેને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ તેનાં બાળકોને તેમની માતાને ગુમાવવાનો સતત ડર રહ્યા કરે છે.

You might also like