બે વર્ષમાં પ૦ ટકા ખેડૂતોને પાક વીમા યોજના હેઠળ આવરી લેવાશે : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પરથી તેમના માસિક ‘મન કી બાત  કાર્યક્રમમાં આજે પ્રધાનમંત્રી પાક વીમા યોજના વિશે જણાવ્યું કે આપણે પાક વીમા અંગે વર્ષોથી બોલતા આવ્યા છીએ, પણ અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત માત્ર ૨૦૨૫ ટકા કિસાનોને જ સામેલ કરી શકાયા છે, પરંતુ અમે આવતા બે વર્ષમાં આ યોજનામાં દેશના ઓછામાં ઓછા ૫૦ ટકા કિસાનોને જોડવા માગીએ છીએ.

વડાપ્રધાને કહ્યું કે આ યોજના અંતર્ગત પાક ઉતર્યાના ૧૫ દિવસ બાદ જો કોઈ નુકસાન થશે તો પણ જે તે કિસાનને સરકાર તરફથી મદદ આપવામાં આવશે. કુદરતી આફતને લીધે કિસાનોની ખેતી બરબાદ ન થાય એ હેતુથી સરકારે પાક વીમા યોજના શરૂ કરી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ યોજનામાં ટેકનોલોજીના ઉપયોગને લીધે તારણ અને વળતરના વિતરણની પ્રક્રિયા ઝડપી બનશે. તેમણે ઉમેર્યું હતું કે સૌથી મોટી બાબત એ છે કે પાક વીમા યોજનાં પ્રીમિયમનો દર કોઈએ કલ્પના પણ ન કરી હોય તેટલો ખૂબ ઓછો રખાયો છે.

ખરીફ પાક માટે બે ટકા જ્યારે રવિ પાક માટે પ્રીમિયમનો દર દોઢ ટકા રખાયો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે હવે મને કહો કે કોઈપણ ખેડૂત આ યોજનાના લાભથી વંચિત રહી જાય તો તેને નુકસાન થશે કે નહીં ? આ યોજના વિશે વધુ ને વધુ લોકો માહિતગાર થાય તેવું હું ઈચ્છું છું. વડાપ્રધાન મોદીએ ગઈ તા.૧૬મી જાન્યુ.એ શરૂ કરાયેલી ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેનાથી યુવાનોમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. તેમણે ઉમેર્યું કે અગાઉ એવી ખોટી માન્યતા હતી કે આ અભિયાન ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્ર પુરતી જ મર્યાદિત છે.

હવે સ્પષ્ટ થયું છે કે, આ અભિયાન હેઠળ કૃષિ સહિત તમામ ક્ષેત્રોમાં ભરપૂર તકો રહેલી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે દેશવાસીઓ સાથે ‘મન કી બાત  કરતાં ખાદી પર ભાર મૂકયો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ખાદી અહિંસાનું પ્રતિક છે. ખાદીમાં જ દેશના ખેડૂતોનું કલ્યાણ છે. યુવાનોમાં ખાદી ફેશન બની ગઈ છે.૨૦૧૬ની પ્રથમ મન કી બાતમાં મોદીએ જણાવ્યું હતું કે દેશવાસીઓ પોતાના વસ્ત્રોમાં ઓછામાં ઓછું એક વ સ્ત્ર ખાદીનો રાખે.

સરદાર પટેલે કહ્યું છે કે, ભારતની આઝાદી ખાદીમાં છે અને ભારતની સભ્યતા પણ ખાદીમાં છે.મોદીએ કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી ખાદીનું આજના યુવાનોમાં ભારે આકર્ષણ છે.એટલું જ નહીં પરંતુ ખાદીમાં કરોડો લોકોને રોજગાર આપવાની તાકાત છે. આકાશવાણી પર પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બાલિકાઓને બચાવવાની બાબતે જાગૃતિ કેળવવા તથા સ્ટાર્ટઅપ  કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ફેબ્રુઆરીમાં વિશાખાપટ્ટનમમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ફલેટરિવ્યૂ સહિત અન્ય કેટલાંક મુદ્દાઓ અંગે પણ તેમના વિચારો રજૂ કર્યા હતા. ગત વર્ષના અંતિમ ‘મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,’વિકલાંગ ખૂબ સક્ષમ હોય છે. તેમના ઘણા કાર્યો આશ્યર્યચકિત કરનારા હોય છે. જેમને જોઇને તેમની અંદર દિવ્ય શકિત હોવાની અનુભૂતિ થાય છે.

તેથી તેમના માટે દિવ્યાંગ શબ્દનો પ્રયોગ વધારે સારો હોઇ શકે છે  મોદીએ આ દરમિયાન અમદાવાદના અંધ શિક્ષક દિલીપ ચૌહાણનો ઉલ્લેખ કર્યો હતો. દિલીપે ફોન પર વડાપ્રધાનને કહ્યુ હતું કે તેમણે ૨૦૦૦ વિદ્યાર્થીઓને વિકલાંગોની મદદ વિશે જાગૃત કર્યા હતા.

You might also like