સીએમ ફડણવીસનાં પત્ની અમૃતાની બોલિવૂડમાં એન્ટ્રી

મુંબઈ: એક બાજુ એવી કેટલીય ફિલ્મ હસ્તીઓ છે જેમણે રાજકારણમાં એન્ટ્રી મારી છે, તો બીજી બાજુ રાજકારણ સાથે સંકળાયેલા કેટલાક લોકો હવે બોલિવૂડમાં એન્ટ્રી મારી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે બોલિવૂડમાં એન્ટ્રી મારી છે. અમૃતા ફડણવીસ હવે ફિલ્મોમાં ગીતો ગાતાં જોવાં મળશે. અમૃતા ફડણવીસે કુણાલ કોહલીની ફિલ્મ ‘ફિર સે’માં બે ગીત ગાયાં છે અને ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝાની ફિલ્મ ‘જય ગંગાજલ’માં પણ ગીત ગાયું છે. સ્વયં પ્રકાશ ઝાએ એક અંગ્રેજી અખબારમાં આ અંગે ઘટસ્ફોટ કર્યો છે.

પ્રકાશ ઝાએ જણાવ્યું છે કે મેં કુણાલ કોહલીની ફિલ્મ માટે અમૃતાને ગીત ગાતાં જોઈને મને તેમનો અવાજ સારો લાગ્યો હતો. તેમનો અવાજ ખરેખર સારો અને સોફ્ટ છે. મને લાગ્યું કે આ અવાજ અમારા ભક્તિ ગીત ‘સબ ધન માટી’ યોગ્ય રહેશે. ત્યાર બાદ મેં અમારા કંપોઝર્સ સલીમ-સુલેમાનને જણાવ્યું હતું કે તેઓ આ ગીત ગાવા માટે અમૃતા ફડણવીસનો સંપર્ક કરે. અમારા આમંત્રણ પર અમૃત ફડણવીસ આવ્યાં હતાં અને તેમણે બે સેશનમાં આ ગીત ગાયંુ હતું. ફિલ્મ ‘ગંગાજલ’માં લગભગ ૧૨ ગીત છે જે ફિલ્મનાં બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળશે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની મુખ્ય ભૂમિકા છે અને તે સાથે માનવ કોલ અને પ્રકાશ ઝા પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

You might also like