૩૦૦ નેશનલ વૉલીબૉલ ખેલાડીઓ એક જ ગામના

એક નાનકડા ગામમાંથી કોઈ એક રમત માટે ૩૦૦ જેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂક્યા હોય એ વાત માનવી જરા અઘરી છે, પરંતુ ગીર-સોમનાથ જિલ્લાના એક ગામે અત્યાર સુધીમાં વૉલીબૉલની રમત માટે ૩૦૦ જેટલાં રાષ્ટ્રીય અને ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આપ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે, આ ખેલાડીઓમાંં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધુ છે. વૉલીબૉલની રમતને કારણે કેટલાંકને નોકરી મળી છે તો ગામનો જ એક ખેલાડી વૉલીબૉલની રમત પર સંશોધનાત્મક અભ્યાસ પણ કરી રહ્યો છે. આ ગામને વૉલીબૉલ પ્રત્યે આટલો લગાવ કેમ છે? ગામમાં વૉલીબૉલ માટેની શું સુવિધા ઉપલબ્ધ છે? આ કારણો ચકાસવા ગામની રૃબરૃ મુલાકાત બાદનો ‘અભિયાન’નો એક્સક્લુઝિવ રિપોર્ટ…

ગત ૨૩ ડિસેમ્બરે પંજાબના પતિયાલા ખાતે નેશનલ વિમેન્સ વૉલીબૉલ ટૂર્નામેન્ટ (અંડર-૨૫) યોજાઈ ગઈ. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમે ભાગ લીધો અને મહિલા રમતોત્સવના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ગુજરાતને ગોલ્ડમેડલ અપાવ્યો. વિજેતા થયેલી આ ૧૨ ખેલાડીઓની ટીમમાં ૯ ખેલાડીઓ એક જ ગામના હતા અને આ ગામ છે સરખડી. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામ માટે આ પહેલી સિદ્ધિ નથી, પરંતુ આ સિદ્ધિથી સમગ્ર રાજ્યનું ધ્યાન સરખડી તરફ ખેંચાયું છે.

મહિલા ખેલાડીઓની સંખ્યા અધિક
કોડીનારથી ૯ કિલોમીટર દૂર દરિયા કાંઠે આવેલા સરખડીમાં પ્રવેશ કરતાં જ ટ્રસ્ટ સંચાલિત શાળાનું એક જર્જરિત મકાન નજરે પડે, જેના પ્રાંગણમાં ગામની છોકરીઓ વૉલીબૉલ રમતી જોવા મળે. ભગવાનભાઈ ભાભાભાઈ સ્મારક ટ્રસ્ટ સંચાલિત સ્વ. જેવાઈબહેન રામભાઈ વાળા માધ્યમિક શાળાનું આ પ્રાંગણ સરખડીના વૉલીબૉલ ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનથી કમ નથી. આ મેદાનમાં વર્ષોથી વૉલીબૉલ રમાય છે. અગાઉ અહીં છોકરાઓની સંંખ્યા વધુ હતી, પરંતુ હવે છોકરીઓની સંખ્યા અધિક છે. વૉલીબૉલની પ્રેક્ટિસ માટે અહીં દરરોજ ત્રણ સેશન ચાલે છે. સવારે સાત થી દસ, બપોરે ત્રણથી સાત સુધી છોકરીઓ પ્રેક્ટિસ કરે છે જ્યારે રાત્રીના સમયે છોકરાઓ પ્રેક્ટિસ કરે છે. આ જ મેદાનમાંથી વૉલીબૉલ રમીને ૩૦૦ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ અને ચાર ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌવત બતાવી ચૂક્યાં છે અને સરખડીનું નામ રોશન કરી ચૂક્યાં છે.

અસામાન્ય સિદ્ધિ માટેનું મેદાન સામાન્ય
જે મેદાનમાં પ્રેક્ટિસ કરીને મોટી સંખ્યામાં ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂક્યા હોય તે મેદાન કેવું અદ્ભુત અને સુવિધાપૂર્ણ હશે તેવો ખ્યાલ દરેકને થઈ આવે, પરંતુ સ્થળ મુલાકાતમાં હકીકત કંઈક જુદી જ જણાઈ. સરખડીની આ શાળાના પ્રાંગણમાં વૉલીબૉલ રમવા માટે બે મેદાન છે. મેદાનને કોર્ડન કરવા તારની વાડનું ફેન્સિંગ કરવાને બદલે ગ્રીન નેટ (જાળી)થી કોર્ડન કરાયું છે. નેટ ઠેકઠેકાણેથી ફાટી ગઈ હોવાથી મોટાં ફાકાં પડી ગયાં છે, જેના લીધે પ્રેક્ટિસ વખતે બોલ અસંખ્ય વાર મેદાનની બહાર જતો રહે છે. આસપાસનાં ઝાડી-ઝાંખરાંમાં જવાને કારણે બોલમાં ઘણી વખત પંક્ચર પણ પડી જાય છે. આ ઉપરાંત પાકુ ફેન્સિંગ ન હોવાના અભાવે ગામનાં ઢોર-ઢાંખર પણ મેદાનમાં પ્રવેશી જાય છે અને મળમૂત્રથી મેદાન ગંદંુ કરી મૂકે છે. ખેલાડીઓ પ્રેક્ટિસ માટે આવે ત્યારે સૌ પ્રથમ ઢોર-ઢાંખરનાં મળમૂત્ર સાફ કરવાં પડે છે, ત્યારબાદ જ પ્રેક્ટિસ શરૃ થઈ શકે છે. માત્ર બે જ ગ્રાઉન્ડ હોવાને કારણે સમય સાચવીને પ્રેક્ટિસ કરવી પડે છે. ઘણી વખત ખેલાડીઓને પ્રેક્ટિસ માટે પૂરતો સમય પણ મળતો નથી. જોકે વૉલીબૉલ પ્રત્યેનો લગાવ અને સખત પરિશ્રમથી જ આ ગામના ખેલાડીઓ દેશ-દુનિયામાં કૌવત બતાવી ચૂક્યા છે.

રામભાઈની મહેનત રંગ લાવી
સરખડી માત્ર ૪૨૫૦ની વસતી ધરાવતંુ નાનકડું ગામ છે. આટલા નાનકડા ગામમાંથી આટલી મોટી સંખ્યામાં વૉલીબૉલના ખેલાડીઓએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી એ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નથી. આ માટે અનેક લોકોએ સખત પરિશ્રમ કરવો પડ્યો છે. સરખડી ગામમાં વૉલીબૉલની રમતનો પાયો રામભાઈ વાળાએ નાખ્યો હતો. ૧૯૭૫થી ૧૯૯૦ના સમયગાળામાં વૉલીબૉલ રમતાં રામભાઈ ઓપન સૌરાષ્ટ્ર વૉલીબૉલ સ્પર્ધામાં ત્રણ વખત ચેમ્પિયન બની ચૂક્યાં છે. તેઓ ઓપન ગુજરાત અને ઇન્વિટેશનન્સ ગેઇમ્સમાં પણ અનેક વખત રમ્યા છે. રામભાઈએ તેમના સમયમાં સરખડીના અનેક યુવાનોને વૉલીબૉલ રમતાં કર્યા હતા.

પોતાના સમય અને હાલના સમયે સરખડીમાં રમાતી વૉલીબૉલની રમત અંગે વાત કરતાં રામભાઈ કહે છે, “મારા સમયમાં ખેલાડીઓને મેદાન પર લાવવા માટે મારે ખાસ્સી મહેનત કરવી પડતી. રોજ સવારે ખેલાડીઓને ઘરે જગાડવા જતો અને મેદાન પર પ્રેક્ટિસ કરવા લાવતો. જ્યારે બહાર રમવા જવા જવાનું હોય ત્યારે તેમના વાલીઓને સમજાવવાના અને ખેલાડીઓને ભેગા કરવાના તથા તેમના માટે વાહન માટેની વ્યવસ્થા પણ કરવાની રહેતી. સ્પર્ધા માટેની પ્રવેશ-ફી અને આવવા-જવા તેમજ બહાર રહેવા-જમવા માટે હું ઘરના પૈસા ઉપરાંત સરખડીના લોકો પાસે ફાળો પણ ઉઘરાવતો હતો. આમ, સખત મહેનતને અંતે સરખડીના લોકોને વૉલીબૉલ રમતાં કર્યા છે. મને આનંદ છે કે મેં કરેલા પરિશ્રમથી અમારા ગામના ખેલાડીઓ, ખાસ કરીને દીકરીઓ દેશ-દુનિયામાં નામ કમાય છે. ગામની દીકરીઓ વિજેતા થાય ત્યારે અનહદ ખુશી અનુભવીને ભૂતકાળમાં સરી પડું છું.”

વૉલીબૉલની રમત માટે હાલ સરખડીની વાત આવે એટલે ગર્લ્સ કે વિમેન્સ વૉલીબૉલ ટીમની વાત ચોક્કસ થાય. પહેલાં આ રમતમાં સરખડીના છોકરાઓ આગળ હતા, પરંતુ હાલમાં છોકરીઓની સંખ્યા અધિક છે. વૉલીબૉલની શરૃઆત કરીને છોકરાઓને પ્રોત્સાહિત કરવામાં રામભાઈ વાળાનું યોગદાન છે, તે રીતે ગામની છોકરીઓને ઘરકામમાંથી વૉલીબૉલના મેદાનમાં લાવવામાં અને ત્યાંથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડવામાં વરજાંગભાઈ વાળાનો સિંહફાળો છે.

રમત શિક્ષકનું મહત્ત્વનું યોગદાન
સરખડી ગામમાં સૌથી વધુ વસતી રૃઢિચુસ્ત ગણાતાં કારડિયા રાજપૂત સમાજની છે. આ સમાજના મોટાભાગના લોકો ખેતીકામ કરે છે. સમાજની દીકરીઓ મોટા ભાગે ઘરકામ અને ખેતીનું કામ કરતી. જોકે આ દીકરીઓને વૉલીબૉલના મેદાનમાં કેટલી મહેનત કરવી પડી હશે તે માત્ર વરજાંગભાઈ જ જાણે છે. વરજાંગભાઈ ૧૯૮૬માં વૉલીબૉલ રમતાં હતા. બાદમાં તેઓએ રાજપીપળા ખાતેથી શારીરિક શિક્ષણમાં સર્ટિફિકેટ અભ્યાસક્રમ (સીપીએડ) પૂર્ણ કર્યો અને ગામની જ ટ્રસ્ટ સંચાલિત શાળામાં ૧૯૮૮થી રમત શિક્ષક તરીકે જોડાયા હતા. હાલ તેઓ આ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે. તેઓ કહે છે, “સરખડીમાં ૧૯૭૦થી વૉલીબૉલ રમાય છે.

મારા પહેલાં પણ ઘણાં ભાઈઓ વૉલીબૉલ રમતા હતા અને રાજ્ય કક્ષાએ સારો દેખાવ પણ કરતા હતા. પહેલાં શૂટિંગ વૉલીબૉલ રમાતી હતી, આજે પાસિંગ વૉલીબૉલ રમાય રહી છે. કોડીનાર તાલુકામાં શૂટિંગ વૉલીબૉલની શરૃઆત એમ. એમ. શાહ શાળાના રમત શિક્ષક દિલીપસિંહ દાહિમાએ કરી હતી. તેમણે જ મને વૉલીબૉલનો સારો ખેલાડી બનાવ્યો છે. તે સમયે અમારી ટીમ પણ ઉચ્ચ કક્ષાએ સારો દેખાવ કરતી હતી. અમારા ગામની જ શાળામાં રમત શિક્ષક તરીકે જોડાયા બાદ ગામની દીકરીઓને વૉલીબૉલની રમતમાં જોડીને તેમને પણ રાષ્ટ્રીય ફલક પર ખ્યાતિ અપાવવાનો વિચાર આવતાં મેં ગામલોકોને આ અંગે સમજાવીને દીકરીઓને પ્રોત્સાહિત કરવાની શરૃઆત કરી. શરૃઆતના તબક્કે મારે અનેક લોકોનું સાંભળવું પડતું કે, છોકરીઓએ તો કંઈ આવી રમત રમાતી હોય? લોકોને સમજાવવા અઘરા હતા, પરંતુ હું મારા વિચારને વળગી રહ્યો.

મેં મારી દીકરીઓને વૉલીબૉલ રમવા મેદાને ઉતારી, ત્યારબાદ મારા ભાઈઓ, કાકા અને મોટા બાપાની દીકરીઓને પણ વૉલીબૉલ રમવા મેદાનમાં લાવ્યો. આ જોઈને ગામની અન્ય દીકરીઓ પણ ધીરે ધીરે મેદાનમાં આવવા લાગી અને મહિલા વૉલીબૉલની શરૃઆત થઈ. ગામમાં પ્રેક્ટિસ બાદ જિલ્લા-તાલુકા કક્ષાએ રમવા લઈ ગયો અને ત્યાંથી રાજ્ય કક્ષાએ. દીકરીઓ સારું રમીને જીતવા લાગી એટલે ગામમાં તેમનું માન વધવા લાગ્યું. આ જોઈને વધુ દીકરીઓ મેદાનમાં આવવા લાગી. હાલ આ વાત કરવી સહેલી લાગે છે, પરંતુ આના માટે વર્ષોની મહેનત કરવી પડી. આ કાર્ય આરંભે મુશ્કેલ ચોક્કસ હતું, પરંતુ કોશિશમાં ચોક્કસ સફળતા મળી.”

“સૌ પ્રથમ વખત હું સરખડીની મહિલા ખેલાડીઓને સાબરકાંઠાના મેઘરજ ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા લઇ ગયો ત્યારે તેઓ ચણિયો અને શર્ટ પહેરીને મેદાનમાં વૉલીબૉલ રમવા ઊતરી હતી. હાથમાં બંગડીઓ સાથે ઉઘાડાપગે મેચ રમતી ટીમને જોઈને કેટલાંક લોકો હસ્યા તો કેટલાંકે મને ટકોર પણ કરી હતી. તે મેચ અમે ૧૫-૦૦થી હાર્યા હતા અને વસવસા સાથે ગામમાં પરત ફર્યા હતા. છતાં મેં મારા પ્રયાસો ચાલુ જ રાખ્યા હતા. ધીરે ધીરે અમારી શાળા અને ગામના ખેલાડીઓ વૉલીબૉલની રમતમાં પ્રગતિ કરતા રહ્યાં. શરૃઆતમાં રાજ્ય કક્ષાએ સરખડીનાં ભાઈઓ અને બહેનોની ટીમો વિજેતા બનવા લાગી. પછીથી દીકરીઓની સંખ્યા વધતી ગઈ અને ભાઈઓની સંખ્યા ઓછી થતાં આજે વૉલીબૉલમાં દીકરીઓની સંખ્યા વધુ છે.”

મહિલા ખેલાડીઓેનું મહત્ત્વનું યોગદાન
સરખડીમાંથી ચાર બહેનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૉલીબૉલ રમી ચૂકી છે. જે પૈકીની બે હજુ પણ રમી રહી છે. ઉપરાંત ૩૨૧ જેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂક્યા છે. તે પૈકીની ૩૦થી વધુ ખેલાડીઓ હાલ વિવિધ કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ રમી રહ્યાં છે. સરખડીની શિલ્પા વાળા ૨૦૧૦માં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૉલીબૉલ પ્લેયર બની હતી. ૨૦૧૦માં તે મલેશિયા ખાતે યોજાયેલી વિમેન્સ યૂથ ચેમ્પિયનશિપમાં ભારતની ટીમ વતી રમી હતી. બાદમાં અન્ય પ્લેયર પરિતા વાળાએ ૨૦૧૩-૧૪માં ચીનના તાઈપેઈ ખાતે યોજાયેલી એશિયન જુનિયર વૉલીબૉલ (ગર્લ્સ) ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તો કિંજલ વાળા અને ચેતના વાળા થાઇલેન્ડ ખાતે રમાયેલી એશિયન યૂથ વૉલીબૉલ (ગર્લ્સ) ચેમ્પિયનશિપ ૨૦૧૪-૧૫માં ભારત વતી રમ્યાં હતાં. કિંજલ વાળા ભારતીય વૉલીબૉલ ટીમની કેપ્ટનશિપ કરીને ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ભુજની કેના ધોળકિયા વૉલીબૉલની રમતમાં ગુજરાતમાંથી સૌ પ્રથમ ઇન્ટરનેશનલ પ્લેયર બની હતી. બાદમાં ગુજરાતમાંથી જે ચાર પ્લેયર વિમેન્સમાં ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચી તે તમામ સરખડી ગામની છે.

આજે સરખડીની અનેક બહેનો વૉલીબૉલમાં રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. સરખડીનાં જશવંતીબહેન ગામનાં સૌ પ્રથમ મહિલા રાષ્ટ્રીય પ્લેયર બન્યાં હતાં. હાલ ગામની ૩૦ જેટલી દીકરીઓ વિવિધ કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ રમી રહી છે. જેમાં કિંજલ વાળા, ચેતના વાળા, પરિતા વાળા, બીના વાળા, અસ્મિતા વાળા, ભાવના વાળા, રવિના પરમાર, વર્ષા વાળા, અસ્મિતા પરમાર, હેતલ ઝાલા, ભાવના ઝાલા, સેજલ વાળા, શ્વેતા વાળા, પાયલ રાઠોડ, સંધ્યા રાઠોડ, કિંજલ વેગળ, નિરાલી વાળા, શ્રદ્ધા ગોહિલ, કિંજલ પરમાર, કિરણ પરમાર, જિજ્ઞા વાળા,જિજ્ઞા પરમાર, નૈનિષા વાળા, રીના વાળા, ગીતા વાળા, શિલ્પા વાળા, ભગવતી વાળાનો સમાવેશ થાય છે.

એક દાયકો, ર૦ મેડલ
વર્ષોથી વૉલીબૉલ રમી રહેલી સરખડીની મહિલા ખેલાડીઓએ એક દાયકામાં ગુજરાતનું નામ વૉલીબૉલની રમતમાં સમગ્ર દેશમાં ગુંજતું કરી દીધું છે. આ ખેલાડીઓએ ર૦૦૬થી અત્યાર સુધીમાં વિવિધ ટૂર્નામેન્ટોમાં કુલ મળીને ગુજરાતને ૧૧ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મળી કુલ ૨૦ મેડલ અપાવ્યા છે. ૨૦૦૬માં અંડર-૧૯ સ્કૂલ ગેઇમ્સમાંં સરખડીની ખેલાડીઓએ રાજ્યને સૌ પ્રથમ ગોલ્ડમેડલ અપાવ્યો હતો, ત્યારથી મેડલ જીતવાનો સિલસિલો ચાલુ જ છે.

આ વર્ષોમાં રાજ્યને મળેલા વિવિધ મેડલોની વાત કરીએ તો ૨૦૦૬-૦૭ અને ૨૦૦૭-૦૮માં અંડર-૧૯ સ્કૂલ ગેઇમ્સમાં એક-એક, ૨૦૧૦-૧૧, ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪માં રમાયેલા પંચાયત યુવા ખેલ ક્રીડા અભિયાનમાં અંડર-૧૬માં દરેક વર્ષમાં એક, ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪માં સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં એક-એક, ૨૦૧૨-૧૩ની સ્કૂલ ગેઇમ્સમાં અંડર-૧૭માં એક, ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ની જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં એક-એક અને ૨૦૧૫-૧૬ની વિમેન્સ નેશનલ વૉલીબૉલ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડમેડલ મળ્યો છે.

તે જ પ્રમાણે ૨૦૦૯-૧૦, ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨માં રમાયેલી સ્કૂલ ગેઇમ્સ મિની નેશનલ ચેમ્પિયનશિપ અને નેશનલ મિની ચેમ્પિયનશિપમાં દરેક વર્ષમાં એક, ૨૦૧૧-૧૨ અને ૨૦૧૪-૧૫માં રમાયેલી નેશનલ વિમેન્સ વૉલીબૉલ ચેમ્પિયનશિપમાં એક-એક સિલ્વર મેડલ મળ્યો છે. તો ૨૦૦૭- ૦૮માં રમાયેલી વિમેન્સ નેશનલ વૉલીબૉલ ચેમ્પિયનશિપમાં એક તથા ૨૦૦૮- ૦૯ અને ૨૦૧૧-૧૨માં રમાયેલી અંડર-૧૬ પંચાયત યુવા ખેલ ક્રીડા અભિયાનમાં એક-એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. વરજાંગભાઈ વાળાના કહેવા મુજબ આ તમામ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં સૌથી વધુ ખેલાડીઓ સરખડીની જ હતી અને તેમાં પણ તમામ મેચો રમનારી ખેલાડીઓ પણ સરખડીની જ હતી.

એક્સલન્સી સેન્ટર મળ્યું, સુવિધા નહીં
વર્ષોથી વૉલીબૉલ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સરખડીના ખેલાડીઓ પ્રત્યે ગુજરાત સરકારે નજર પણ નથી ફેરવી.૨૦૦૬થી અત્યાર સુધીમાં રાજ્યને સતત ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અપાવનારા આ ખેલાડીઓ પ્રત્યે સરકારનું ધ્યાન છેક ૨૦૧૨માં પડ્યું હતું. રાજ્ય સરકારે ૨૦૧૨માં સરખડી વૉલીબૉલ માટેના એક્સલન્સી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી. જોકે તે અપૂરતી અને અધૂરી સગવડવાળું હોવાથી હાલ પણ સંપૂર્ણ સુવિધા મળતી નથી. આ અંગે સરખડીના સરપંચ મહેશભાઈ વાળા કહે છે, “સરખડી ગામમાં વૉલીબૉલનું એક્સલન્સી સેન્ટર ચાલે છે તે વાત પર સ્થળ જોઇને જ કોઇ વિશ્વાસ ન કરી શકે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ અભાવ છે. સરખડીના વૉલીબૉલનું અચિવમેન્ટ ટાંચાં સાધનો સાથે ખેલાડીઓએ કરેલ સખત પરિશ્રમનું પરિણામ છે, તેમાં સરકારનો કોઈ સહકાર નથી.”

મહેશભાઈની આ વાત સાથે સહમત થતાં ગીર- સોમનાથ જિલ્લા વૉલીબૉલ એસોસિયેશનના પ્રમુખ સુરસિંહ મોરી કહે છે, “ભૂતકાળમાં પણ સરકારે કોઇ મદદ કરી નથી. દાતાઓ પાસેથી નાણાં મેળવીને વરજાંગભાઈ ટીમોને બહાર રમવા લઇ જાય છે. સરકારે ઇન્ડોર સ્ટેડિયમ બનાવી આપવું જોઇએ અને સરખડીને સાગરખેડુ યોજના હેઠળ પણ સાંકળી લેવું જોઇએ. સરકારે અન્ય જગ્યાએ ઘણાં ખર્ચા કર્યા છે, પરંતુ ત્યાં રિઝલ્ટ મળ્યું નથી અને સરખડીએ વગર સરકારી ખર્ચે રિઝલ્ટ આપ્યું હોવાથી સરકારે આ ગામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. એક્સિલન્સી સેન્ટર મળવાના કારણે હાલ ખેલાડીઓને ટ્રેસ, ટ્રસક સહિતની એક કિટ મળે છે. ઉપરાંત  ૨૫ છોકરીઓને દર મહિને રૃપિયા ૭૫૦ ને ૩૨ છોકરાં-છોકરીઓને દર મહિને રૃપિયા ૪૫૦૦ સ્ટાઇપેન્ડ મળે છે એટલે આંશિક રાહત થઈ છે.”

વૉલીબૉલે કારકિર્દી બનાવી
સરખડીએ ૩૦૦ જેટલા રાષ્ટ્રીય અને ૪ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આપ્યા છે. તે પૈકીના ૪૫ ખેલાડીઓ તો ગોલ્ડ મેડાલિસ્ટ છે. ભૂતકાળમાં રાષ્ટ્રીય કક્ષાએ રમેલા ઘણાં ખેલાડીઓને સારી નોકરી મળી છે. રાષ્ટ્રીય કક્ષાએ રમ્યા હોય તો સીપીએડનો કોર્સ કર્યા બાદ સહેલાઇથી રમત શિક્ષક તરીકે નોકરી મળતી, જે મુજબ ૩૦ જેટલાં ભાઈ-બહેનોને શિક્ષક તરીકેની નોકરી મળી છે તો એક ખેલાડીને સ્પોર્ટ્સ ક્વોટામાં બેંકમાં, બે ખેલાડીઓને પોસ્ટ વિભાગમાં તથા એક ખેલાડીઓને પોલીસ વિભાગમાં નોકરી મળી છે. આ તમામ ખેલાડીઓ માને છે કે, વૉલીબૉલના કારણે જ તેમની કરિયર બની છે. આ અંગે મુળ સરખડીના અને હાલ ભાવનગર ખાતે બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા મનુભાઈ વાળા કહે છે, “હું ૧૦ વખત રાષ્ટ્રીય કક્ષાએ વૉલીબૉલ રમ્યો છું અને ગુજરાતની મેન્સ સિનિયર ટીમનો અને ગુજરાત યુનિવર્સિટીનો કેપ્ટન રહી ચૂક્યો છું. આ રમતથી જ મને બેંકમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી મળી અને પ્રમોશન થતાં હું આસિસ્ટન્ટ મેનેજર બન્યો છું.”

તો પાટણ ખાતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) તરીકે ફરજ બજાવી રહેલાં મનિષાબહેન વાળા પણ મુળ સરખડીનાં વતની ને રાષ્ટ્રીય વૉલીબૉલ પ્લેયર છે. તેઓ કહે છે, “હું અત્યાર સુધીમાં ર૧ વખત રાષ્ટ્રીય કક્ષાએ વૉલીબૉલ રમી ચૂકી છું. પીએસઆઇની સીધી ભરતીમાં હું પસંદગી પામી છું. જે માટે વૉલીબૉલની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલના ૫ાંચ ગુણ પણ ધ્યાને લેવાયા હતા. ઇન્ટર્વ્યૂમાં પણ મારી આ રમત પર ભાર દેવાયો હતો. સ્પોર્ટ્સ ક્વોટાના કારણે મારા વિભાગમાં મારી જુદી ઇમ્પ્રેશન પણ છે.”

૧૨ વખત નેશનલ રમી ચૂકેલા સરખડીના હમીરસિંહ વાળાની વાત જ જુદી છે. હાલ તેઓ કેશોદમાં આવેલી સરકારી આદર્શ નિવાસી શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેમણે જૂનાગઢ જિલ્લાના રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓની શારીરિક ક્ષમતા અને કૌશલ્ય ઉપર સ્પેશ્યલ ટ્રેનિંગની અસરનો અભ્યાસ એ વિષય પર સંશોધનાત્મક અભ્યાસ (પીએચ.ડી.) પણ કર્યો છે. હમીરસિંહ કહે છે, “પહેલાં સરખડી જૂનાગઢ જિલ્લામાં આવતું અને મારા ગામમાં જ નેશનલ પ્લેયર હતા. સંશોધનમાં મેં ૧૩થી ૨૫ વર્ષનાં ૨૫ બોયઝ અને ૨૫ ગર્લ્સનો સમાવેશ કર્યો હતો. મારા આ અભ્યાસના વાઈવા વખતે જ ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોનમાં ગર્લ્સની ટીમે ગોલ્ડમેડલ જીત્યો હતો જેથી મારો એ દિવસ યાદગાર બની રહ્યો. મારી કારકિર્દી વૉલીબૉલને કારણે બની હોવાનું હું માનું છું.”

દેશને ગોલ્ડ અપાવવો છે: ચેતના વાળા
સરખડીની ચેતના વાળા ૧૪ વખત રાષ્ટ્રીય અને ૧ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂકી છે અને રાષ્ટ્રીય કક્ષાએ ૬ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. હવે ભારતને ગોલ્ડમેડલ અપાવવાની તેની ઇચ્છા છે. જોકે સરખડીમાં વૉલીબૉલની રમત અંગેની સુવિધાઓની વાત કરતાં તે કહે છે, “હાલમાં જે ગ્રાઉન્ડ છે તેમાં જ પ્રેક્ટિસ કરવી પડે છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાની મેચ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાય છે જેથી અમને થોડીક મુશ્કેલી જરૃર પડે છે. ઉપરાંત માત્ર બે જ ગ્રાઉન્ડ હોવાને કારણે પ્રેક્ટિસ માટે સમય પણ ઓછો પડે છે. જો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેદાન ઉપલબ્ધ બને તો વધુ સારી પ્રેક્ટિસ કરી શકીએ. હાલમાં અહીં ચાર મેદાનની જરૃર છે, જેમાંથી બે ફ્લડ કોટેડ હોવાં જોઈએ.”

પ્રતિભાશાળીઓ નોકરીથી વંચિત
સરખડીની કિંજલ વાળા ઇન્ડિયન યૂથ વિમેન્સ વૉલીબૉલ ટીમની કેપ્ટન પણ છે. તે અત્યાર સુધીમાં ૧૯ વખત નેશનલ અને એક વખત ઇન્ટરનેશનલ કક્ષાએ રમી ચૂકી છે અને ૫ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મળીને કુલ કુલ ૧૫ મેડલ પણ મેળવી ચૂકી છે. તે માને છે કે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમનાર ખેલાડીને રાજ્ય સરકાર દ્વારા નોકરી અપાય તેવી કોઈ યોજના બનાવવી જોઈએ જેથી ખેલાડી પોતાનું પ્રદર્શન જાળવી રાખે. તે કહે છે, “રાષ્ટ્રીય કક્ષાએ ટીમ રમવા જાય ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ પણ સાથે હોય તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ૨૦૧૪માં અંડર-૧૯ની ટીમમાં અમે ઉત્તરપ્રદેશના કાનપુર રમવા ગયા ત્યારે હરિયાણા સામેની ક્વાર્ટર ફાઈનલમાં મારો પગ મચકોડાઈ જતાં મને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવી પડી અને અમારી ટીમ હારી ગઈ. મારી ગેરહાજરીથી ટીમ હારી એવું નથી, પરંતુ રમત વખતે ફિઝિયોથેરાપિસ્ટની હાજરી હોવી આવશ્યક છે.”

સ્ટેડિયમ, હોસ્ટેલની સુવિધા મળવી જોઈએ
સરખડી ગામમાં વૉલીબૉલનું એક્સલન્સી સેન્ટર જાહેર થયા બાદ અહીં બે ઈન્ડોંર અને બે આઉટડોર એમ ચાર ગ્રાઉન્ડની જરૃર છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી છેલ્લા ૧૦ માસથી સંદીપ પુનિયાની કોચ તરીકે નિમણૂક પણ કરવામાં આવી છે. તેઓ કહે છે, “આ રમત માટે સરખડી પહેલેથી જ આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ આપતું સેન્ટર હતું. સૌરાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારની છોકરીઓને ઘરેથી ગ્રાઉન્ડ પર લાવવી ઘણી જ મુશ્કેલ છે. આમ છતાં અહીંની છોકરીઓ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી રહી છે. દરરોજ ૬૦ છોકરીઓ પ્રેક્ટિસ કરે છે, તે પૈકી ૩૦ જેટલી રાષ્ટ્રીય કક્ષાની અને બે આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્લેયર છે. ૨૭ છોકરાઓ પૈકી ૮ રાષ્ટ્રીય કક્ષાએ રમી રહ્યાં છે.

હાલ ગ્રાઉન્ડ અને જગ્યાનો અભાવ હોઈ પ્રેક્ટિસ માટે સમય ઓછો પડે છે. દિવસે છોકરીઓ અને રાત્રે છોકરાઓ પ્રેક્ટિસ કરે છે. જો યોગ્ય સુવિધાઓ ઊભી થાય તો ખેલાડીઓ વધુ સમય પ્રેક્ટિસ કરી શકે અને પરિણામ હજુ પણ વધુ સારું આવી શકે. સરખડીમાં એક્સિલન્સી સેન્ટરની સાથે હોસ્ટેલની પણ સુવિધા આપવી જોઇએ. સોમનાથ એકેડેમીમાં વૉલીબૉલની ટ્રાયલમાં કોડીનાર તાલુકામાંથી ૫૦૦ છોકરીઓ હાજર હતી. જો સરખડીમાં હોસ્ટેલની સુવિધા ઊભી થાય તો તેઓઆ છોકરીઓ અહીં રહીને સારી પ્લેયર બની શકે. અહીંનાં બાળકો શારીરિક રીતે ફિટ હોવાથી જો તેમને સુવિધાઓ અને માર્ગદર્શન મળે તો તેઓ વૉલીબૉલના સારા ખેલાડી બની શકે.”

‘શક્તિદૂત’માંથી વૉલીબૉલની કમી
રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવીને રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે ૨૦૦૬થી શક્તિદૂત યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સરખડીની પાંચેક મહિલા ખેલાડીઓને ૨૫થી ૩૫ હજાર સુધીના ચેક તથા બીજા એક ખેલાડીને બે લાખની સહાય કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક ખેલાડીને બે લાખની સહાય બે વખત કરવામાં આવી હતી. જોકે ૨૦૧૫-૧૬ માટે તૈયાર થયેલી યાદીમાં વૉલીબૉલની રમતની જ બાદબાકી કરી દેવામાં આવી છે. આમ, વૉલીબૉલના પ્રતિભાશાળી ખેલાડીઓને મળતી સહાય પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

રમત ક્ષેત્રે પ્રતિભાઓને બહાર લાવવા ગુજરાત સરકાર દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજનો કરે છે. જોકે સરખડી ગામ વૉલીબૉલની રમતમાં પહેલેથી જ આઉટસ્ટેડિંગ પરફોર્મન્સ આપી રહ્યું છે ત્યારે સરકારે વૉલીબૉલ માટેની તમામ સુવિધાઓ આપવી જોઈએ. જો અહીં ઈન્ડોર સ્ટેડિયમ સહિતની વ્યવસ્થાઓ મળી રહે તો નજીકના સમયમાં રાજ્ય અને રાષ્ટ્રને મળતાં ગોલ્ડમેડલની સંખ્યામાં પણ વધારો થઈ શકે તેમ છે.

રમત પ્રધાન વાનાણીએ જવાબ આપવાનું ટાળ્યું
સરખડીમાંથી આટલા બધા ખેલાડીઓ સારા પરફોર્મન્સ સાથે રાષ્ટ્રીય કક્ષાએ રમી રહ્યાં છે, ત્યારે સારા મેદાનની વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી તેવા સવાલના જવાબમાં રાજ્ય કક્ષાના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી નાનુભાઈ વાનાણીએ એક્સલન્સી સેન્ટર જાહેર કર્યા બાદ બધી સુવિધાઓ મળતી થઈ જશે તેમ જણાવ્યું હતું. જોકે એક્સલન્સી સેન્ટર તો ૨૦૧૨માં જાહેર કરી દેવાયું તેમ છતાં સુવિધા કેમ મળતી નથી તેવા સવાલના જવાબમાં રમત પ્રધાને કહ્યું, “એક્સલન્સી સેન્ટરમાં ગ્રાઉન્ડ બનાવવાનું ન આવે.” સાથે જ તેમણે પોતાનો જવાબ સંભળાવવાનો આગ્રહ કરતાં કહ્યું, “સરખડીની વાળા બહેનો સારું વોલીબોલ રમે છે, અમે તેમનો સમાવેશ શક્તિદૂત યોજનામાં કર્યો છે.” જોકે ૨૦૧૫-૧૬ની શક્તિદૂત યોજનાની જાહેર થયેલી યાદીમાંથી વોલીબોલની રમતને જ બાદ કરી દેવાઈ હોવાની જાણકારી રમત પ્રધાનને અપાતાં તેઓ ક્ષોભમાં મુકાઈ ગયા હતા. તેમણે કહ્યું, “મારે જવાબ નથી આપવો, તમે આવા સીધા સવાલ કરશો તો હું જવાબ નહીં આપું.”

ઈન્ડોર સ્ટેડિયમ માટેની જગ્યા ઉદ્યોગને ફાળવાશે?
વોલીબોલની રમતને પ્રોત્સાહન અને સુવિધા મળે તે માટે સરખડીમાં ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા ગ્રામ પંચાયત દ્વારા ૬ એકર જેટલી ખરાબાની જમીનનો ઠરાવ કરવામાં આવ્યો છે. જોકે ગામ નજીક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહ સ્થપાઈ રહ્યું હોવાથી કેટલાક વચેટિયાઓની નજર પણ આ જમીન પર પડી છે. જો રાજ્ય સરકાર અને ગીર-સોમનાથ જિલ્લા તંત્ર આ બાબતે સમયસર કાર્યવાહી કરે તો આ જગ્યાએ રમતગમત સંકુલ બની શકે, અન્યથા આ જમીન આવનાર ઉદ્યોગગૃહને સોંપાઈ જશે તેવી દહેશત વર્તાઈ રહી છે. જો એમ થાય તો ઈન્ડોર સ્ટેડિયમ માટે અન્ય જગ્યાએ જમીન શોધવી પડે અને ગામમાં આટલી મોટી જગ્યા અન્યત્ર મળી શકે તેમ ન હોવાથી ગ્રાન્ટ મળી શકે નહીં.

ખેલ મહાકુંભમાં વ્યવસ્થાનો સદંતર અભાવ!
રાજ્યમાં ર૦૧૦થી ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરાય છે. જોકે તેનું આયોજન સુવ્યવસ્થિત રીતે ન હોવાની બુમરાણ ઊઠી રહી છે. ગત વર્ષે ખેલ મહાકુંભ પત્યા પછી પણ તેમાં વિજેતા થનાર રમતવીરોને મહિનાઓ સુધી પ્રમાણપત્રો ન અપાતાં તમામ પ્રમાણપત્રો જિલ્લા કચેરીઓમાં ધૂળ ખાતાં પડી રહ્યાં હતાં. વિવિધ કૉચ તથા અન્ય સ્ટાફને માનદ વેતન ચૂકવવામાં પણ ઘણો વિલંબ થયો હતો. ખેલ મહાકુંભના આયોજન દરમિયાન અનેક ગ્રાઉન્ડ ખામીયુક્ત હોવાનું કે પાણીની વ્યવસ્થા ન થઈ હોવાનું વારંવાર ધ્યાનમાં આવે છે.

આ વર્ષે શિક્ષણ વિભાગે શાળાઓને કરેલાં દુરાગ્રહને કારણે રજિસ્ટ્રેશન ખૂબ જ વધુ પ્રમાણમાં થયું છે. જોકે રજિસ્ટ્રેશન થયેલામાંથી કેટલાં ખેલાડીઓએ રમતમાં ભાગ લીધો તે જાણવા માટે કોઈ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી. ખેલ મહાકુંભ માટે હેલ્પલાઈન ૧૮૦૦૨૭૪૪૧૫૧ પણ શરૃ કરવામાં આવી છે. જોકે આ નંબર પર વારંવાર પ્રયત્નો કરવા છતાં ફોન રિસીવ થતો નથી. આમ, વ્યવસ્થાના અભાવ વચ્ચે જ રમતોત્સવનું આયોજન થયું હોવાની ફરિયાદો ઊઠી રહી છે.

સરખડીની દીકરીઓ આ વખતે પણ વિજેતા બનશેઃ કૉચ
રાજ્યમાં ર૦૧૦થી યોજાતા ખેલ મહાકુંભમાં સરખડીની મહિલા ખેલાડીઓ અંડર- ૧૩, અંડર- ૧૫ અને અબોવ-૧૬ એમ ત્રણ કેટેગરીમાં વર્ષ ર૦૧૦થી ૨૦૧૪ સુધી સતત ચેમ્પિયન બનતી આવી છે. આ વર્ષે પણ વોલીબોલની રમતમાં સરખડીની મહિલા ખેલાડીઓ ચેમ્પિયન બનશે તેવો વિશ્વાસ કૉચ વરજંગભાઈ વાળાએ દાખવ્યો હતો.

વોલીબોલ રમી ચૂકેલી કેટલીક બહેનોને લગ્ન બાદ આ રમત છોડવી પડી છે. જો સરકાર આવી છોકરીઓને રમત શિક્ષક તરીકે નોકરી આપે તો તેઓ રમત સાથે જોડાઈને પોતાનું પ્રદર્શન જાળવી રાખે.
કિંજલ વાળા -ઇન્ડિયન યૂથ વિમેન્સ વોલીબોલ ટીમની કેપ્ટન

વોલીબોલ અંગેની પ્રાથમિક સુવિધાઓ માટે રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરાઈ છે. સરકારે એક્સલન્સી સેન્ટર જાહેર તો કર્યું છે, પરંતુ તે પ્રમાણેના ગ્રાઉન્ડ સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું જ નથી.
સુરસિંહ મોરી,  પ્રમુખ, ગીર-સોમનાથ જિલ્લા વોલીબોલ એસો.

વિવિધ કક્ષાએ યોજાતી વૉલીબૉલની સ્પર્ધામાં ગામની દીકરીઓને રમવા મોકલવા માટે અમારી શાળાના આચાર્ય ભગવતસિંહ ગોહિલ ગામવાસીઓને સમજાવવામાં મારી મદદ કરતાં.
વરજાંગભાઈ વાળા રમત શિક્ષક, સરખડી

હિરેન રાજ્યગુરુ

You might also like