બોફોર્સ કૌભાંડના ત્રણ દાયકા બાદ આજે પોખરણમાં નવી હોવિત્ઝર તોપનું પરીક્ષણ

નવી દિલ્હી: ભારતીય સેનાને લગભગ ત્રણ દાયકા બાદ આજે નવી તોપ મળશે. અમેરિકાની બીએઇ સિસ્ટમ દ્વારા મળેલી બે ૧પપ એમએમ-૩૯ કેલિબર અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર્સ (યુએલએચ) તોપોનું આજે રાજસ્થાનની પોખરણ સ્થિત ફાયરિંગ રેન્જમાં પરીક્ષણ કરવામાં આવશે. લગભગ ત્રણ દાયકા પૂર્વે સ્વિડનની કંપની પાસેથી ખરીદવામાં આવેલી બોફોર્સ તોપોએ ભારતીય રાજકારણમાં હડકંપ મચાવી દીધો હતો. બોફોર્સ તોપોની ખરીદીમાં કિકબેક (દલાલી) લેવાનો આક્ષેપ થયો હતો. આ નવી તોપો ચીનની સરહદે તહેનાત કરાશે

એમ-૭૭૭ હોવિત્ઝર્સ તોપોની ખરીદીને લઇને અમેરિકા સાથે ર૦૧૦થી વાતચીત શરૂ થઇ હતી. ર૬ જૂન ર૦૧૬ના રોજ નરેન્દ્ર મોદી સરકારે ૧૪પ તોપોની ખરીદીની જાહેરાત કરી હતી. ફોરેન મિલિટરી સેલ્સ (એફએમએસ) હેઠળ થયેલા રૂ.ર૯૦૦ કરોડના આ સોદાને નવેમ્બર ર૦૧૬માં મંજૂરીની આખરી મહોર મારવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૦ના દાયકામાં સ્વિડનની કંપની પાસેથી ખરીદવામાં આવેલી બોફોર્સ તોપ બાદ ભારતીય સેનામાં કોઇ નવી તોપને સામેલ કરવામાં આવી નહોતી. આ તોપ આજ અઠવાડિયે સેનામાં સામેલ થઇ જશે. અમેરિકન કંપની બીઇએ પાસેથી ખરીદવામાં આવેલી આ આર્ટિલરી સમજૂતી હેઠળ એક મહિના પૂર્વે પ્રથમ ખેપમાં બે તોપ આવી હતી. જેનું આજે પરીક્ષણ કરવામાં આવશે.

આજે આ તોપ દ્વારા વિવિધ પ્રકારનાં શસ્ત્રોનો ઉપયોગ કરીને તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ તોપોને ભારતીય વાતાવરણમાં ભારતીય શસ્ત્રો છોડવાને લાયક બનાવવામાં આવશે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સેના અગાઉથી જ એમ-૭૭૭ હોવિત્ઝર તોપોનો ઉપયોગ કરી રહી છે. ઇરાક અને અફઘાનિસ્તાનમાં આ તોપો તહેનાત છે.
http://sambhaavnews.com/

You might also like