યુનિ.ના રોડનું ૩૦ લાખના ખર્ચે બ્યુટિફિકેશન

અમદાવાદ: લારી-ગલ્લાના દબાણોથી મુક્ત કરીને ગુજરાત યુનિવર્સિટીના ખાનગી ૩૦૦ મીટરના રસ્તાનું બ્યુટિફિકેશન થઈ રહ્યાં છે.

આ અંગે યુનિવર્સિટીના એસ્ટેટ અધિકારી દર્શનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના આ ૩૦૦ મીટરના રોડની અત્યંત સુંદર રીતે સજાવટ થઇ રહી છે. કામ ખૂબ જ ઝડપભેર બે માસના સમયગાળામાં પૂર્ણ થઇ જશે. આ રોડ હવે એક નવી ઓળખ બની રહેશે.

એલડી એન્જિનિયરિંગ, પીઆરએલ, પર્ફોર્મિંગ આર્ટ્સ, સ્પોર્ટસ, સાયન્સ કોલેજ વગેરેની ઓળખની પ્રતિકૃતિઓ યુનિવર્સિટીની દીવાલથી ૩.પ મીટરની પહોળાઇમાં મુકાશે. જેમાં વોક વે પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત દરેક કોલેજના વિદ્યાર્થીઓ આરામથી બેસી શકે, અભ્યાસ ઉપયોગી વાતચીત કરી શકે તે માટે બેન્ચીસ પણ ગોઠવવામાં આવી રહી છે. આ પ્રોજેકટમાં કુલ અંદાજિત ખર્ચ રૂ.૩૦ લાખ થશે.

હાલમાં દબાણ અટકાવવા યુનિવર્સિટી દ્વારા ચાર લાખના ખર્ચે ર૦૦ છોડ (વૃક્ષ) વાવીને ગાર્ડન બનાવાયો છે, જેને વધુ મોડીફાઇ કરવામાં આવશે. એક તરફ વોક વે અને એક તરફ બ્યુટિફિકેશનવાળો પથ હશે. આ અંગેની કામગીરી શરૂ થઇ ચૂકી છે.

સાંજે ટ્રાફિકની સર્જાતી ગંભીર સમસ્યા બાબતે દર્શન સોલંકીએ વધુમાં કહ્યું હતું કે અમે આજે ફરી લારી ગલ્લા હટાવવા માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીશું. દબાણ હટી જશે પછી આ સમસ્યા રહેશે નહીં, એટલું જ નહીં એન્ટ્રી લેતાં જ ૩૦૦ મીટરના રોડનો સુંદર નજારો જોવા મળશે.

You might also like