અફઘાનિસ્તાનમાં સોનાની ખાણ ધસી પડતાં ૩૦નાં મોત: ૧પથી વધુ ગંભીર

કુંદુજ: અફઘાનિસ્તાનના બદખશાં પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં સોનાની એક ખાણ ધસી પડવાના કારણે ૩૦ લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ૧પથી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે બની હતી.

કોહિસ્તાન જિલ્લાના ગવર્નર મોહમ્મદ રુસ્તમ રાઘીએ જણાવ્યું કે બચાવદળ ઘટનાસ્થળે જ તહેનાત છે અને હાલ ખાણમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા નેક મોહમ્મદ નજારીએ જણાવ્યું કે ગામના કેટલાક લોકોએ સોનું શોધવા માટે નદીના તળમાં ખોદવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં ગ્રામીણ લોકોએ ૬૦ મીટર (અંદાજે ર૦૦ ફૂટ) ઊંડી ખાણ ખોદી નાખી હતી. હજુ પણ આ લોકો સોનું મળશે તેવી આશામાં વધુ ને વધુ ઊંડો ખાડો ખોદવા ઈચ્છતા હતા. એ વખતે જ ખાણની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી અને તમામ લોકો અંદર જ દબાઈ ગયા હતા.

નજારીએ જણાવ્યું કે આ લોકો ખાણ ખોદવા માટે આધુનિક મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા. ખાણ ધસી પડવાના કારણે હાલ એ જાણવા મળ્યું નથી કે જે લોકો ખોદકામ કરતા હતા તે અધિકૃત હતા કે નહીં, પરંતુ આસપાસના ગામના લોકોના જણાવ્યા પ્રમાણે આ લોકો કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર જ કામ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે કોહિસ્તાન જિલ્લા સહિતના સમગ્ર બદખશાં પ્રાંતના મોટાભાગના લોકો સોનાની ખાણ ખોદવાનું જ કામ કરે છે. વર્ષોથી આ લોકો આ વ્યવસાયમાં જ જોડાયેલા છે. દાયકાઓથી અહીં ગેરકાયદે ખનન થતું રહ્યું છે પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે સરકાર આ ખાણ માફિયાઓ પર અંકુશ લગાવી શકી નથી.

નેક મોહમ્મદ નજારીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે તાત્કાલિક બચાવદળને ઘટનાસ્થળે મોકલ્યું છે, પરંતુ ગામના લોકોએ શરૂઆતમાં તેમની સાથે પણ ઘર્ષણ કર્યું હતું, જેના કારણે બચાવ અને રાહત કામગીરી ખોરંભાઈ હતી. બદખશાં અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં આવેલું છે અને અહીંથી તઝાકિસ્તાન, ચીન અને પાકિસ્તાનની સરહદ લાગે છે. આ વિસ્તારમાં ખાણની દીવાલો ઘરાશાયી થવાની ઘટના અવારનવાર બનતી રહે છે. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં આ પ્રકારની ઘટનાઓ વધુ બનતી હોય છે.

અફઘાનિસ્તાનના પ્રેસિડેન્શિયલ પેલેસ તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ ઘટનાથી પ્રેસિડેન્ટ અશરફ ગની ખૂબ દુખી થયા છે. તેમણે અધિકારીઓને ખાણમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા અને રાહત-બચાવ અભિયાન ઝડપથી ચલાવવાના આદેશો આપ્યા છે.

You might also like