ઝારખંડમાં સાંસદ મુંડાના નિવાસે પત્થલગડી સમર્થકોનો હુમલોઃ ત્રણ અંગરક્ષકોનાં અપહરણ

ખૂંટી: ઝારખંડના ખૂંટી જિલ્લાના અનીગડા-ચાંદી ડીહ વિસ્તારમાં પત્થલગડીના સમર્થકોએ ભાજપના સાંસદ કરિયા મુંડાના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો અને તેમના ત્રણ અંગરક્ષકોનાં શસ્ત્રો સાથે અપહરણ કરી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અગાઉ ખૂંટી ગેંગ રેપના આરોપીઓ પર કાર્યવાહી કરવા ગયેલ પોલીસદળ અને પત્થલગડીના સમર્થકો વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી, જેમાં એક જવાનની એકે-૪૭ રાઇફલ ઝૂંટવીને પત્થલગડીનો સમર્થક ફરાર થઇ ગયો હતો.

પત્થલગડીના સમર્થકોને હટાવવા માટે સેંકડો જવાનો ઘાઘરા ગામ પહોંચી ગયા છે અને થોડી વારમાં ઓપરેશન શરૂ કરી દેવાયુું છે. આ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં એક વ્યકિતનું મોત થયું હતું અને પ૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યાર બાદ પોલીસકર્મીઓને ખદેડીને પત્થલગડીના સમર્થકો ભાજપના સ્થાનિક સંસદસભ્ય કરિયા મુંડાના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન લાઠીચાર્જ કરનાર એક જવાન દોડતો તેમના નિવાસસ્થાન તરફ આવ્યો હતો. તેને શોધવા માટે પત્થલગડીના સમર્થકો મુંડાના ઘરમાં ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો હતો. સેંકડોની સંખ્યામાં પત્થલગડીના સમર્થકોએ હુમલો કરતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

પોલીસ અને સમર્થકો વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે ટોળા પર લાઠીઓ વીંઝતા કેટલાય લોકો ઘાયલ થયા હતા. રોષે ભરાયેલા સમર્થકોએ ખૂંટીના ભાજપના સાંસદ કરિયા મુંડાના ઘરને ઘેરી લીધું હતું અને ઘરની સુરક્ષામાં તહેનાત ત્રણ સિકયોરિટી ગાર્ડનું અપહરણ કરીને તેમની પાસેથી શસ્ત્રો લૂંટી લીધા હતા.

એક સુરજ્ઞા ગાર્ડ કોઇ પણ રીતે આ ટોળાની ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. પત્થલગડીના સમર્થકો તેની ત્રણ ઇન્સાસ રાઇફલ પણ લૂંટી લીધી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલા દરમિયાન સાંસદ મુંડા પોતાના નિવાસસ્થાન પર હાજર નહોતા. સંસદસભ્ય મુંડા અને તેમના બે પુત્રો જગન્નાથ મુંડા અને અમરનાથ મુંડા હુમલો થયો ત્યારે દિલ્હીમાં હતા. પોલીસે અપહૃત જવાનોનો પત્તો લગાવી દીધો છે અને હવે તેમને છોડાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

આ દરમિયાન ખૂંટીના જિલ્લા ડીએસપી અને પોલીસ અધિક્ષક મુંડાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને સ્થિતિની સમીક્ષા કરીને સુરક્ષાનો કડક જાપતો ગોઠવી દીધો છે. કડક કાર્યવાહી કરવાની ધમકી આપવા છતાં પત્થલગડીના સમર્થકો આખી રાત ત્યાંથી હટ્યા નહોતા. સવારે કાર્યવાહી કરવા માટે સેંકડોની સંખ્યામાં પોલીસ જવાનો બોલાવવામાં આવ્યા હતા.

You might also like