જમ્મુના ડોડામાં મોડી રાતે આભ ફાટતાં છનાં મોતઃ અનેક મકાનો ધરાશાયી

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ડોડાના ઠાઠરી વિસ્તારમાં બુધવારે મોડી રાતે ૨.૨૦ કલાકે આભ ફાટવાથી છનાં મોત થયાં છે. આ ઉપરાંત પાંચ લોકો લાપતા થયા છે. ભારે વરસાદના કારણે કેટલાંય મકાનો ધરાશાયી થઈ જતાં તેના કાટમાળ નીચે દબાઈ જવાના કારણે છ લોકોનાં મોત થયાં છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલુ છે.

ગઈ કાલે રાત્રે શરૂ થયેલા ભારે વરસાદની ઝપેટમાં ડોડાનો ઠાઠરી વિસ્તાર આવી ગયો હતો. અહીં આભ ફાટવાના કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયાં છે અને અત્યાર સુધીમાં છ મૃતદેહ મકાનોના કાટમાળ નીચેથી મળી આવ્યા છે. કાટમાળ ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે અને તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હજુ પણ એક પરિવાર કાટમાળ નીચે દબાયો હોવાની શંકા છે. અચાનક પાણીનો પ્રવાહ આવી જવાથી મકાનો ધરાશાયી થઈ ગયા હતા.

આ ઘટના ડોડા-કિસ્તવાર હાઈવે પર આવેલ ઠાઠરી વિસ્તારની છે. રાત્રે લગભગ ૨-૦૦ વાગ્યાની આસપાસ આભ ફાટ્યું હતું અનેક મકાનો અને દુકાનો વરસાદના પૂરમાં ધોવાઈ ગઈ હતી. અચાનક આવેલા પૂરને કારણે આ વિસ્તારના લોકો ફસાઈ ગયા હતા. પ્રશાસનને જાણ થતાં અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ધરાશાયી થયેલા મકાનો અને દુકાનના કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધી આ ઘટનામાં એક મહિલા અને બાળક સહિત પાંચ લોકોને બચાવી લેવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ઉત્તરાખંડમાં સતત વરસાદ અને આભ ફાટવાથી ૨૯થી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો લાપતા થયા હતા. સામાન્યતઃ ચોમાસાની મોસમમાં ઉત્તરાખંડની અલકનંદા મોટા ભાગે ભયજનક સપાટીથી ઉપર વહેતી હોય છે. વહીવટીતંત્રએ તકેદારીના પગલા રૂપે નદીકાંઠે વસતા લોકોને સ્થળાંતર કરવાની અપીલ કરે છે.

http://sambhaavnews.com/

You might also like