કોલારાડોના વોલમાર્ટ સુપર સ્ટોરમાં ફાયરિંગઃ ત્રણનાં મોત, એક ઘાયલ

વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક થયેલા આતંકી હુમલાના માત્ર ર૪ કલાકની અંદર જ અમેરિકાના કોલારાડોના થોર્નટર્ન સ્થિત વોલમાર્ટના સુપર સ્ટોરમાં આજે વહેલી સવારે થયેલા ફાયરિંગમાં ત્રણનાં મોત થયાં છે અને એક વ્યકિત ઘાયલ થઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર આ ફાયરિંગની ઘટનામાં અમેરિકન મીડિયા દ્વારા એવું જણાવાયું હતું કે કેટલાય લોકો માર્યા ગયાની આશંકા છે. તો ત્યાર બાદ એવી જાહેરાત કરવામાં આવી છે કે આ ઘટનામાં બેનાં મોત થયાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. સુરક્ષાની દૃષ્ટિએ લોકોને આ વિસ્તારથી દૂર રહેવાનું જણાવાયું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ડેનવર સબર્બન વિસ્તારના વોલમાર્ટ સ્ટોરમાં બની છે. સ્થાનિક પોલીસે શરૂઆતમાં એવું જણાવ્યું હતું કે તેમને ફાયરિંગની ઘટનાની જાણ થઇ છે અને કેટલાય લોકોને ગોળી વાગી છે. અમે લોકો સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આ ફાયરિંગની ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે ૬-૩૦ કલાકની આસપાસ ઘટી હતી. આ વખતે વોલમાર્ટના સુપર સ્ટોરમાં ભારે ભીડ હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સો સ્થળ પર ધસી ગઇ હતી. ફાયરિંગ શરૂ થયા બાદ સુપર સ્ટોરના કસ્ટમરો અને કર્મચારીઓ સ્ટોર છોડીને ભાગતા નજરે પડયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને વોલમાર્ટ સેન્ટર ખાલી કરાવ્યું હતું.

કોલારાડોના થોર્નટર્ન પોલીસ તરફથી ઘટના અંગે હજુ વધુ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. હુમલાખોરને કસ્ટડીમાં લેવાયો છે કે કેમ? તે અંગે હજુ સુધી તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. થોર્નટર્ન ડેનવરથી ઉત્તર પશ્ચિમમાં ૧૦૦ કિ.મી. દૂર આવેલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઇ કાલે જ ન્યૂયોર્કના લોઅર મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક આઇએસના એક આતંકીએ ટ્રક ચલાવીને આઠ લોકોને કચડી નાખ્યા હતા અને ૧પથી વધુ લોકોને ઘાયલ કર્યા હતા. અમેરિકાએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી હતી.

You might also like