આઇએસ સાથે સંબંધ રાખનાર ૩ ભારતીય યુએઈમાંથી દેશનિકાલ

નવી દિલ્હી: ઈસ્લામિક સ્ટેટ સંગઠન માટે કામ કરતા ત્રણ ભારતીયની ગુરુવારે રાતે સંયુકત આરબ અમિરાતમાંથી હકાલપટ્ટી કરી એમને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા છે. આ ત્રણ જણની સ્થાનિક પોલીસ શોધ ચલાવી રહી હતી. તેઓ ભારતમાં તેમજ વિદેશમાં ત્રાસવાદી હુમલા કરાવવા માટે ભારતીયોની ઓળખ કરી, એમને ફોસલાવી, ભરતી કરીને પછી તાલીમ આપતા હતા. એ ત્રણેયની પોલીસે પૂછપરછ કરી હતી અને એમને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. આ ત્રણેય પર આઈએસના ઓનલાઈન દુષ્પ્રચારમાં સામેલ હોવાની શંકા છે.

આ ત્રણ જણના નામ છે શેખ અઝહર અલ ઈસ્લામ અબ્દુલ સત્ત્।ાર શેખ, મોહમ્મદ ફરહાન રફીક શેખ અને અદનાન હુસૈન. આ ત્રણેય જણ ઈસ્લામિક સ્ટેટના અબુ ધાબી મોડ્યૂલ માટે કામ કરતા હતા. આ ત્રણ જણ મહારાષ્ટ્ર, કર્ણાટક અને જમ્મુકશ્મીરના રહેવાસી છે.  બીજી તરફ, યુવાનોને લલચાવવા ઈસ્લામિક સ્ટેટના વધતા પ્રયાસો વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંહે શુક્રવારે કહ્યું કે, સુરક્ષા એજન્સીઓ આ આતંકવાદી સંગઠન તરફથી થનારા કોઈપણ ખતરાનો સામનો કરવા સક્ષમ છે. રાજનાથે યુપીના ગ્રેટર નોઈડામાં એક સમારંભ બાદ આ વાત કહી હતી.

ગયા વર્ષના સપ્ટેમ્બરમાં પણ યુએઈમાંથી આઈએસ સાથે સંબંધની શંકા પરથી ચાર ભારતીયને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે જ યુએઈમાંથી ૩૭ વર્ષીય મહિલા અફસા જબીનને પણ આઈએસઆઈએસ સાથે કથિત સંબંધ બદલ દેશનિકાલ કરવામાં આવી હતી.

You might also like