કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ ત્રણ ત્રાસવાદીઓને ઢાળી દીધા

પુલવામા: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલ વિસ્તારમાં બુધવારે શરૂ થયેલી સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસ અને સીઆરપીએફએ આ ઓપરેશન પૂરું થયું હોવાની જાહેરાત કરી હતી. જોકે હજુ શોધખોળ અભિયાન જારી છે.

માર્યા ગયેલા તમામ આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દ‌િક્ષણ કાશ્મીરમાં મીરપોરા ડડશરા ગામમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર ત્યાર બાદ લશ્કરની ૪ર રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર), સીઆરપીએફની ૧૮૦, ૧૮પ બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના જવાનોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષાદળો પર આધેધડ ગોળીબાર શરૂ કરી દેતાં જવાનોએ પણ તુરત જ મોરચો સંભાળીને વળતો ગોળીબાર કર્યો હતો. અથડામણમાં સુરક્ષા દળના કોઇ પણ જવાનને આંચ આવી ન હતી. જોકે સુરક્ષા દળોને ગાઢ અંધકારને કારણે ઓપરેશન પાર પાડવામાં મુશ્કેલી પડી હતી. સુરક્ષા દળોએ કોઇ ત્રાસવાદી ફરાર ન થઇ જાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બહારનાં વાહનો અને લોકોની અવરજવર રોકી દીધી હતી.

You might also like