રાજસ્થાનનાં બાડમેર રોડ અકસ્માતમાં 3નાં મોત, મદદને બદલે લોકોએ લીધી સેલ્ફી

રાજસ્થાનઃ રાજ્યનાં બાડમેરમાં એક શર્મસાર ઘટના સામે આવી છે. બાડમેરમાં એક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ યુવકનાં મોત થયાં છે. આ યુવકો દર્દથી કણસી રહ્યાં અને પાસે ઉભેલાં લોકોએ તેમની મદદ કરવાનાં બદલે વીડિયો ઉતારતાં રહ્યાં. કોઈએ આ યુવકોની મદદ ના કરતાં આખરે આ યુવકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે.

આટલું જ નહીં પરંતુ ઘટના સ્થળે હાજર કેટલાંક લોકોએ આ લોહી લુહાણ યુવકોની મદદ કરવાનાં બદલે સેલ્ફી પણ લીધી હતી. આ ઘટના એવી છે કે, એક સ્કૂલ બસે બાઈક પર જઈ રહેલાં આ યુવકોને ટક્કર મારી હતી. જ્યાં સુધી આ ઈજાગ્રસ્તો પાસે મદદ પહોંચે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ચૂક્યું હતું અને તેઓ મોતનાં મુખમાં ધકેલાઈ ગયાં હતાં.

પોલીસે જણાવ્યું કે, જો તમને રસ્તા પર કોઈ પણ અજાણી વ્યક્તિ આ રીતે જોવા મળે તો તેમનો જીવ બચાવવા માટે પ્રયાસ જરૂરથી કરવો જોઈએ. પોલીસ ક્યારેય આવી બાબતોમાં કોઈને હેરાન પરેશાન કરી શકે નહીં.

મળતી જાણકારી મુજબ પરમાનંદ (27), ગેમરારામ (30) અને ચંદારામ (30) નામનાં ત્રણ યુવાનો ગુજરાતમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં મજૂરોની ઠેકેદારીનું કામ કરતા હતાં. તેઓ બે દિવસ પહેલાં જ મજૂરોને કામ પર રાખવા માટે તેઓને રાજસ્થાન સુધી લેવા માટે આવ્યાં હતાં અને મંગળવારનાં રોજ તેઓ પરત ગુજરાત આવી રહ્યાં હતાં.

એવામાં વચ્ચે મિઠડાઉ ગામની પાસે એક સ્કૂલ બસે તેઓને ટક્કર મારી દીધી કે જેનાંથી પરમાનંદનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું હતું. જ્યારે ગેમરારામ અને ચંદારામ ખૂનથી રસ્તા વચ્ચે પડ્યાં હતાં પરંતુ કોઇ પણ તેઓની મદદ માટે આવ્યું નહીં.

You might also like