નવી પેઢી માટે આધુનિક સપ્તપદી

કોઈ પણ સંબંધનો પાયો આખરે તો મિત્રતા જ છે અને લગ્નજીવનમાં તો આ ખાસ લાગુ પડે છે. એક માણસ બીજા માણસ સાથે ત્યારે જ વર્ષો રહી શકે જ્યારે એમની મિત્રતાનો પાયો મજબૂત હોય. નામ ભલે  પતિ-પત્ની કે અન્ય હોય પણ એ બંને એકબીજાના મિત્રો હોવા જોઈએ. સંબંધ સમજણ સિવાય કોઈનોય મોહતાજ નથી. મિત્રતા વગરનું લગ્નજીવન તો તરત મરી  પરવારે છે પછી તો જે જિવાય છે એ લગ્નજીવન નહીં પણ એનું પ્રેત હોય છે.

પહેલાંના જમાનામાં લગ્ન થાય ત્યારે સાત વચનો પતિ અને પત્નીએ અગ્નિની સાક્ષીએ લેવાં પડતાં અને એમાં મોટે ભાગે આપવાનું બધું પત્નીએ અને લેવાનું બધું પતિએ જ હતું. પતિનાં સુખ અને દુઃખમાં પત્નીએ એનો સાથ આપવાનો, પતિના ઘરના લોકોને પત્નીએ પોતાના માનીને એ બધાની સેવા કરવાની, પતિ દુભાય એવું વર્તન ક્યારેય નહીં કરવાનું. પતિને પોતાનો પરમેશ્વર માનવાનો. આવાં બધાં વચનો પત્નીએ લેવાં પડતાં અને એટલે જ  પતિદેવો પત્નીઓની લાગણીનો મનફાવે એ રીતે ઉપયોગ કરતા અને એમને મન  પત્નીની કિંમત કોડીભરનીય નહોતી.

હવેના જમાનામાં જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રીનાં એકબીજા સાથે સંમતિથી લગ્ન થાય છે ત્યારે પણ એકબીજાએ સાત વચનો લેવાં જ જોઈએ પણ આધુનિક જમાનાને અનુરૃપ આ સાત વચનો કેવાં હોવાં જોઈએ એ ઉપર્યુક્ત રચનામાં દર્શાવેલાં છે. આ સાત વચનો એવાં છે જેમાં પતિ અને પત્ની બંનેનું આત્મસન્માન જળવાય છે અને આ વચનો જો પાળવામાં આવે તો લગ્નજીવનમાં થતા કલેહનું પ્રમાણ ઘટાડી શકાય છે.

પહેલા વચનમાં એક એવી વાસ્તવિકતાનું નિરૃપણ છે જે કહી દેવું ખૂબ જ જરૃરી છે, કારણ કે એવી ઘણી ક્ષણો દાંપત્યજીવનમાં આવવાની છે જેમાં એક જણ બીજા પાસે આંધળી સંમતિની અપેક્ષા રાખશે અને એ વખતે આ વચન જો બંને યાદ કરશે તો ઘણી દુર્ઘટનાઓ ટળી જશે. એકબીજાના પૂર્વગ્રહોને બીજા પર થોપવાના ખોટા પ્રયાસોમાંથી પણ આ વચન બચાવી લેશે. બીજું વચન, તારા માટે તો ચાંદ-તારા તોડી લાવીશ અને તું જે કહે એ કરીશ વગેરે અવાસ્તવિક બકવાસોથી બંનેને બચાવશે.બાંધ્યા પગારમાં ઘર ચલાવવાનું હોય કે  કરોડોપતિ માનવી હોય એકબીજાને જે ગમે એ બધું લાવી આપવું એ અશક્ય છે પણ હા, એકબીજા માટે સમય આપવો એમાં પૈસા ખર્ચાતા નથી અને અનેક પ્રલોભનોને બાજુ પર મૂકીને પણ પોતાના કુટુંબ માટે સમય કાઢવો એનું નામ જ શ્રેષ્ઠ જીવન!

એકબીજા પર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ એ સાચું જ છે અને કોઈ પણ સંબંધમાં એ પુષ્કળ જરૃરી છે. એના વગર સંબંધમાં બહુ જલદી તિરાડ પડી જાય છે અને શંકા હોય ત્યાં પ્રેમ નહીં પણ ચોકીપહેરો હોય,  પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી કે દરેક વાતમાં એકબીજાને પૂછ્યા વગર પાણી પણ ના  પીવાય. આવું કરવા જાઓ તો જિવાય જ નહી. પોતે જે પણ કરે એમાં પોતાના જીવનસાથીની સહમતી હશે એટલો ભરોસો હોવો જરૃરી છે પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે એને નહીં પૂછવાનું કે નહીં કહેવાનું કારણ એનાથી કશું છુપાવવું છે એ નથી.

આ ત્રીજા વચનનો સાર.  અમારા એ બહુ ભોળા અને અમારા એ બહુ ધાર્મિક કે મારી પત્ની જેવું ખાવાનું કોઈ ન બનાવી શકે જેવા ખોટા દંભથી ચોથું વચન બચાવી લેશે. એકબીજાનાં ખોટાં વખાણથી જો લગ્નજીવન ટકતાં હોત તો એથી રૃડું બીજું શું? પણ એવું નથી. વખાણથી હકીકત બદલાતી નથી. આપણે અધૂરા લોકો છીએ. પતિ-પત્ની બંનેમાં કોઈ ખામી
રહેવાની જ. ધ્યાન એ રાખવાનું કે જાહેરમાં, આપણા જ પ્રિયજનની ફજેતી ના થાય. સુખદુઃખ સ્વભાવે બહુ જ ચંચળ છે એટલું જ નહીં એ પોતાની પસંદ પર પણ આધાર રાખે છે.

મારે મન જે સુખ છે એ બીજાને મન દુઃખ હોઈ શકે અને એ જ રીતે બીજાને મન જે સુખ છે એ મારે મન દુઃખ હોઈ શકે.કોઈ માણસ સુખી કે દુઃખી છે એમાં બીજાં  પણ કેટલાંય તત્ત્વો ખૂબ જ ભાગ ભજવે છે જે માનવીના હાથમાં જ નથી હોતાં. તમારી પત્નીનો જન્મદિવસ ઊજવવાનો નક્કી કર્યો હોય ને એ જ દિવસે તમારું કોઈ સગું ગંભીર રીતે બીમાર પડે, તમે વેકેશનની તૈયારીઓ કરી નાખી હોય અને છેલ્લે દિવસે એ રદ થાય. આપણે આપણા જીવનસાથીને એક વચન તો આપી જ શકીએ કે હું મારા વર્તનથી તું ઓછામાં ઓછું દુઃખી થાય એવા પ્રયત્નો કરીશ. પાંચમું વચન એટલે અગત્યનું છે.

ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે આપણો જીવનસાથી કંઈ ખોટું કરતો હોય કે ખોટું બોલતો હોય અથવા તો એ પોતે સાચો અને બીજા બધા ખોટા એવી જીદ કરતો હોય ત્યારે એની વિરુદ્ઘ જવું ખૂબ જ જરૃરી થઇ પડે છે. પાછળથી આ વાત એને સમજાય છે  પણ એ ઘડીએ તો એ એવું જ વલણ અખત્યાર કરે છે કે હું ખોટો હોઉં તો પણ તું મારો  પતિ અથવા પત્ની છે એટલે તારે તો મારું જ તાણવાનું અને દરેક વખતે આ શક્ય નથી હોતું. ત્યારે એક વાત શક્ય હોય છે એ એ છે કે એની વાત ધીરજથી અને ખુલ્લા મનથી સાંભળવી ભલેને એ પ્રથમ દૃષ્ટિએ ખોટી કે અવાસ્તવિક લાગતી હોય. છઠ્ઠું વચન આ વાતની બાંયધરી આપે છે.

બીજાની ભૂલ હોય ત્યારે માણસ ન્યાયાધીશ બની જાય છે અને પોતાની ભૂલ હોય ત્યારે એ બચાવ પક્ષનો વકીલ બની જાય છે. આ બહુ સ્વાભાવિક ઘટના છે. જે માનવસ્વભાવમાં આ સહજ રીતે વણાઈ ગઈ છે. આપણે  પણ આપણી પત્ની કે પતિની નબળાઈઓને અમુક હદ સુધી જ સ્વીકારી શકીએ છીએ  પણ આપણી નબળાઈઓ સામેવાળો બહુ જ સહજતાથી સ્વીકારી લે એવો આગ્રહ રાખીએ છીએ. જીવનસાથીની દરેક ત્રુટી જો માફ ના કરી શકાય તો માનવીની કોઈ  પણ ખૂબી નજરઅંદાજ પણ ના કરવી જોઈએ.અને જો આવું થાય તો દાંપત્યજીવન મધુરું થઇ જાય. સાતમું અને છેલ્લું વચન સુખી દાંત્યજીવનનું રહસ્ય છતું કરે છે.

આઠમું વચનઃ ઉપર જણાવેલાં સાતેય વચન જિંદગીભર યાદ રાખવાં.
મૃગાંક શાહ

You might also like