29 વર્ષના એન્જિનીયરે ગોરખપુરમાં યોગીનો ગઢ ધ્વસ્ત કર્યો, પહેલીવાર લડ્યા ને જીત્યા

UPના ગોરખપુર સંસદીય વિસ્તારની પેટાચૂંટણીમાં સપાને મળેલી જીતની સાથે ભાજપનો એક મજબૂત કિલ્લો તૂટી પડ્યો છે. આ સીટ લગભગ 29 વર્ષોથી ગોરક્ષ મઠ એટલે કે ગોરખનાથ મંદિર પાસે જ હતી અને આટલો વર્ષો પછી મંદિરની બહારની કોઈ વ્યક્તિ સાંસદમાં જીતી છે. યોગીના આ મજબૂત ગઢ તોડ્યો છે માત્ર 29 વર્ષના એન્જિનીયર પ્રવિણ કુમાર નિષાદે. નિષાદ સપાના સાંસદ છે.

એન્જિનિયરીંગનો અભ્યાસ
સંતોષ ઉર્ફે પ્રવિણ કુમાર નિષાદ ગોરખપુરના કેંપિયરગંજ વિસ્તારના રહેવાસી છે. તેમણે યુપીના ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી લખનઉથી 2011માં એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ દલિત જાતિમાં જન્મ્યા છે, જેમનો પરંપરાગત વ્યવસાય મત્સ્યપાલન છે. સપાએ જાતિવાદના સમીકરણને ધ્યાનમાં રાખી નિષાદ સમુદાયના પ્રવિણને ટિકીટ આપી હતી. ઉપરાંત તેમના પર કોઈ કેસ પણ ચાલતા નથી, તેથી તેમની છાપ પણ સારી છે.

પ્રવિણ દ્વારા જમા કરાવવામાં આવેલ દસ્તાવેજમાં તેમના વિરુદ્ધ કોઈ જ પ્રકારના કાયદાકીય કેસ ચાલતા નથી. તેમની પાસે જમીન પણ નથી. તેઓ પહેલીવાર ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. તેમના પત્ની રિતિકા સાહની સરકારી નોકરી કરે છે. પ્રવિણ કુમારની કુલ સંપતિ 11 લાખઘ રૂપિયાની છે, જેમાંથી 99,000 રૂપિયા તેમને આપવાના બાકી છે. પ્રવિણ અને રિતિકાને એક પુત્ર અને એક પુત્રી પણ છે.

પ્રવિણ કુમારને ગોરખપુરની પેટાચૂંટણીમાં કુલ 4,56,513 વોટ મળ્યા છે. બીજા નંબર પર ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર શુકલને 4,34,625 વોટ મળ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથે આ સીટ પર લગભગ 3 લાખ વોટથી જીત મેળવી હતી.

You might also like