હાર્દિક પટેલ સામે મુકાયું ૨૭૦૦ પાનાંનું અારોપનામું

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલા હાર્દિક પટેલ અને તેના સાથીઓ દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ સામે ક્રાઈમ બ્રાન્ચે ૧૬મીને શનિવારે મેટ્રોપોલિટન કોર્ટમાં 2700 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. જે ચાર્જશીટનો નંબર ૨૬/૧૬ પાડવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને હાર્દિક પટેલ અને તેના ચાર સાથીઓ સામે રાજદ્રોહ સહિતના ગુના હેઠળ ચાર્જશીટ કરવાની ગૃહ વિભાગે મંજૂરી મેળવી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે, હાર્દિક પટેલનાં આંદોલનમાં નાણાંની મદદ કરનારને ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટમાં સાક્ષી તરીકે દર્શાવવાના છે.

જયારે હાર્દિકના બે સાથી અમરીષ પટેલ અને અલ્પેશ કથીરિયાને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના 2700 પાનાંની ચાર્જશીટમાં હાર્દિક પટેલ સહિતના વોઈસ સ્પેકટ્રોગ્રાફી સહિતના પુરાવા રજૂ કરીને 503 જણાને સાક્ષી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સાક્ષી બતાવ્યા છે. મેટ્રોપોલિટન કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કર્યા બાદ ચારેય આરોપીઓને કોર્ટ દ્વારા જેલમાંથી રજૂ કરવા માટે સમન્સ કાઢવામાં આવશે.

ત્યાર બાદ આરોપીઓને ચાર્જશીટની નકલ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત માસથી ક્રાઈમ બ્રાન્ચની કોર્ટ ખાલી હોવાથી દર બે માસે અન્ય કોર્ટને ચાર્જ સોંપવામાં આવી રહ્યો છે. હાર્દિક પટેલ અને તેના સાથીઓને ચાર્જશીટની નકલ આપ્યા બાદ હાર્દિક સેસન્સ કોર્ટમાં જામીન મેળવા માટે અરજી કરશે. જેમાં સરકાર હાર્દિક પટેલ અને તેના સાથીઓને જામીનમાં વિરોધ કરશે નહીં.હાર્દિક પટેલ અને સાથી જામીન પર મુકત થયા પછી સરકાર સમાધાનની ફોર્મ્યુલા મુજબ પાટીદારો સામેના તબક્કાવાર કેસ પરત ખેંચી લેશે.

હાર્દિક પટેલ અને તેના સાગરીતોની ક્રાઈમ બ્રાન્ચે રાજદ્રોહના ગુનામાં 22-10-2015ના રોજ ધરપકડ કરીને તપાસ માટે રિમાન્ડ મેળવ્યા હતા.જેમાં હાર્દિક પટેલ અને તેના સાથીઓના ક્રાઈમ બ્રાન્ચે વોઈસ સ્પેકટ્રોગ્રાફી એફએસએલમાં કરાવતા પ્રોઝિટિવ આવ્યા હતા એટલું જ નહીં પાટીદારો હાર્દિક પટેલને ફાઇનાન્સ કરનાર સહિત 502થી વધુ લોકોનાં નિવેદનો ક્રાઈમ બ્રાન્ચે લીધાં હતાં. ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક અને તેના સાથીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને રાજદ્રોહ સહિતના કલમો લગાવીને ડ્રાફટ ચાર્જશીટ તૈયાર કરીને પોલીસ કમિશનર મારફતે ગૃહ વિભાગને મંજૂરી માટે મોકલી આપી હતી.

ચાર્જશીટમાં ક્રાઈમ બ્રાન્ચે પંચનામાની વિગતો ઇન્ટરસેપ્ટ સ્ક્રીપ્ટર હાર્દિક પટેલની જાહેર સભાની તમામ સીડી, રાજ્યભરમાં તેમજ રાજ્યની બહાર હાર્દિક પટેલ સામે જે ગુના નોંધાયા છે તે. એફએસએલના અભિપ્રાયો, તેમજ સરકારની જે મંજૂરી મળી છે તે તમામ વિગતોને ચાર્જશીટમાં રજૂ કરવામાં અાવી છે. ક્રાઈમ બ્રાન્ચે તપાસ ચાલુ રાખવા માટે સીઅારપીસીની કલમ ૧૭૩(૮) મુજબ કોર્ટમાં અરજી કરી છે. ગૃહ વિભાગની મંજૂરી મળી જતાં 2700 પાનાંની ચાર્જશીટ ક્રાઈમ બ્રાન્ચે શનિવારે મેટ્રો પોલિટિન કોર્ટમાં રજૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ અને તેના સાથીઓને સાબરમતી જેલમાં નવેમ્બર 2015ના પ્રથમ સપ્તાહમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ અમદાવાદની કોર્ટમાં આજ દિન સુધી રજૂ કરવામાં આવ્યા નથી. દરમિયાનમાં હાર્દિક પટેલના સાથી દિનેશની જામીન અરજી આવતી કાલ તા.19મીને મંગળવારના રોજ રાખવામાં આવી છે.

હાર્દિક પટેલ સહિતના ચારેય આરોપીને જેલમાંથી 30મી જાન્યુઆરીના રોજ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રાખવા જેલ સત્તાવાળાને લેખિતમાં જાણ કરી છે. હાર્દિક અને તેના સાથીઓ તરફથી એડવોકેટ આજે ચાર્જશીટની નકલ મેળવવા કોર્ટ પાસે રજૂઆત કરનાર છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં 2જી ફેબ્રુઆરીના રોજ હાર્દિકના કેસની સુનાવણી હોઇ સરકાર અમદાવાદની કોર્ટમાં પણ હાર્દિક સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યાની જાણ કરશે. સુરતની ચાર્જશીટની નકલ અંગ્રેજીમાં તૈયાર કરાવી હોવાથી અમદાવાદની ચાર્જશીટની નકલ પણ હાર્દિકના એડવાેકેટ અંગ્રેજીમાં માગણી કરે તેવી શકયતા રહેલી છે.

You might also like