લેસર દીવાલથી ભારત-પાક. સીમાની સુરક્ષા થશે

નવી દિલ્હી : હવેથી ભારત- પાકિસ્તાન સીમા પર સરહદની સુરક્ષા લેસર દીવાલો કરશે. ટૂંક સમયમાં જ ૪૦થી વધુ સંવેદનશીલ સ્થળોએ લેસર દીવાલો ઊભી કરવામાં આવશે. જેથી આતંકવાદીઓની કોઇપણ પ્રકારની ઘૂસણખોરીને રોકી શકાય. આ જગ્યાઓ પર કાંટાળા તારની વાડ નથી. પઠાણકોટ હુમલાને ધ્યાનમાં લઇને ગૃહ મંત્રાલય લેસર દીવાલો ઊભી કરવાની બાબતને ટોચની પ્રાથમિકતા આપી રહ્યું છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ પારથી પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો દ્વારા ઘૂસણખોરીના જોખમનો સંપૂર્ણપણે અંત લાવવા માટે પંજાબ ખાતેની આ તમામ નદી કિનારા સીમા સુરક્ષા દળ (બીએસએફ) દ્વારા વિકસાવવામાં આવેલી લેસર વોલ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. લેસર વોલ એક એવું મિકેનીઝમ છે જે લેસર સોર્સ અને ડિટેકટરની વચ્ચે લાઇન ઓફ સાઇટ અથવા દૃષ્ટિરેખાથી ત્યાંથી પસાર થતી વસ્તુઓનો પત્તો લગાવી શકે છે.

હાલ લગભગ ૪૦ સંવેદનશીલ જગ્યાઓમાંથી માત્ર પાંચ-છ જગ્યા જ લેસર દીવાલોથી સજ્જ છે. નદી પર મૂકવામાં આવતાં લેસર બીજા, ઉલ્લંઘનના સંજોગોમાં એક જોરદાર સાઇરન વગાડે છે. બામિયાલમાં ઉજ્જ નદીનો શંકાસ્પદ ઘૂસણખોરી વિસ્તાર લેસર વોલથી સજ્જ નહોતો. જૈશ- એ- મોહંમદના છ આતંકવાદીઓએ આ જગ્યાએથી જ ઘૂસણખોરી કરી હતી, અને પછી પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. ૧૩૦ મીટર પહોળી નદીના પટ પર નજર રાખવા માટે મૂકવામાં આવેલો કેમેરો પણ ખામીયુક્ત જણાયો હતો. તેમાં ફૂટેજ રેકોર્ડ થતાં નહોતા.

બીએસએફએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૯મી જાન્યુઆરીની પઠાણકોટ એરબેઝની મુલાકાત અગાઉ ગયા આ વિસ્તારમાં લેસર દીવાલ ઊભી કરી હતી. બીએસએફએ ગયા વર્ષે જમ્મુ સેકટરમાં આંતરરાષ્ટ્રીય સરહદના નદીના જે વિસ્તારોમાં કાંટાળા તારની વાડ નથી તેવા વિસ્તારોમાં લેસર દીવાલો ઊભી કરવાની કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તાર ગયા વર્ષે જુલાઇમાં પંજાબના ગુરુદાસપુરમાં ત્રણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા સુધી આતંકીઓ દ્વારા ઘૂસણખોરીની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ હતો.

માનવામાં આવે છે કે આતંકવાદીઓ તારા સરહદ ચોકીની નજીકથી ભારતમાં ઘૂસ્યા હતા. આ જગ્યાએ લેસર દીવાલ નથી. બામિપાલમાં નદીના કિનારે બીએસએફની ચોકીઓ છે. જ્યાંથી સુરક્ષાકર્મીઓ સતત નદી પર દેખરેખ રાખે છે. આ વિસ્તાર હાઇ માસ્ટ લાઇટોથી ઝળહળતો રહે છે. એવી શક્યતા છે કે જૈશ- એ- મોહંમદના છ આતંકવાદીઓએ રાત્રિના સમયે નદીના છીછરા વિસ્તારમાંથી પ્રવેશ કર્યો હતો અને બીએસએફના સુરક્ષા કર્મીઓની નજરમાંથી બચી ગયા હશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બામિપાલને કેફી પદાર્થોની દાણચોરીનો માર્ગ માનવામાં આવતો નથી કારણ કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં અહીંથી કોઇ કેફી પદાર્થ જપ્ત થયો નથી. બીએસએફએ પંજાબમાં પહેલેથી જ વધારાના સુરક્ષા કર્મીઓ તૈનાત કરી દીધા છે અને ખાસ કરીને રાતના સમયે હોટ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

You might also like