અમેરિકાએ ઇરાન પરથી આર્થિક પ્રતિબંધ દૂર કર્યા

અમેરિકાએ ઇરાન પર લગાવેલા બધા આર્થિક-પરમાણુ પ્રતિબંધ દૂર કર્યા છે. ઇરાને અમેરિકાને પરમાણૂ કાર્યક્રમ સ્થગિત કરવાનું વચન આપતા અમેરિકાએ આ નિર્ણય લીધો છે. આ સાથે જ બંને દેશોએ એક-બીજાના કેદીને મુક્ત કરવા અંગેનો નિર્ણય લીધો છે. વિયેનામાં આવેલ આંતરરાષ્ટ્રીય પરમાણૂ ઉર્જા એજન્સીના કાર્યાલય ખાતેથી અમેરિકાએ આ જાહેરાત કરી છે. અમેરિકાએ જણાવ્યું હતું કે તે ઇરાન પર લાગેલા દરેક પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ પરત ખેંચી રહ્યું છે. આ પગલાને યૂરોપીયન સંઘની વિદેશ નીતિના પ્રમુખે પણ આવકારી છે. તેમણે કહ્યું કે આ પગલાથી શાંતિ અને સ્થિરતામાં વધારો થશે.

વિયેના હાજર ઇરાનના વિદેશ પ્રધાને આ પગલાને લઇને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દુનિયા માટે સારો દિવસ છે. સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થાના જણાવ્યુ મુજબ ઇરાને પરમાણુ કાર્યક્રમ પર વૈશ્વિક શક્તિઓ સાથે કરવામાં જુલાઇની ઐતિહાસિક સમજુતીનું પાલન કર્યું છે.  ઉલ્લેખનીય છે કે ઇરાન પર આર્થિક પ્રતિબંધ એટલા માટે લગાવામાં આવ્યા હતા કે તે પરમાણુ હથિયાર બનાવવાની તૈયારી કરી રહ્યું હતું. જો કે ઇરાને હંમેશા આ વાતનું ખંડન કર્યું હતું. અમેરિકાના આ પગલા બાદ તુરંત ઇરાને અમેરિકાના ચાર કેદિઓને મુક્ત કર્યા હતા. જેમાં વોશિંગ્ટન પોસ્ટનો એક પત્રકારનો સમાવેશ થાય છે. જ્યારે અમેરિકાએ ઇરાનના સાત નાગરિકોને મુક્ત કર્યા છે.

You might also like