જીવરાજપાર્કથી APMC તરફ વાહનોને કાલથી ‘નો એન્ટ્રી’

અમદાવાદ: અમદાવાદના મેગા પ્રોજેક્ટ એવા મેટ્રો રેલના કોરીડોરની કામગીરી ચાલી રહી છે. જીવરાજપાર્કથી એપીએમસીના રૂટ પર કપાતમાં જતી બે સોસાયટીના વિરોધ વચ્ચે અાવતી કાલથી કામગીરી શરૂ થવાની છે, જેના પગલે જીવરાજપાર્કથી એપીએમસી જવાનો રસ્તો બંધ કરાશે.

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે ત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટના કોરીડોર (લાઈન-૨)ની કામગીરી માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જેહારનામું બહાર પાડવામાં અાવ્યું છે. અા જાહેરનામા મુજબ અાવતી કાલ તા.૧૭ જાન્યુઅારીથી શહેરમાં ૧૩૨ ફૂટ રિંગરોડના જીવરાજ ચોકી ચાર રસ્તાથી જીવરાજપાર્ક ચાર રસ્તા સુધીનો માર્ગ પણ તમામ વાહન માટે બંધ કરી દેવામાં અાવ્યો છે. અા માર્ગને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં અાવ્યો છે. અા રસ્તો સવારના ૯થી બપોરના એક વાગ્યા સુધી વાહનો માટે બંધ રહેશે.

પિકઅવર્સમાં ટ્રાફિકથી ધમધમતા અા રસ્તા પર વાહનચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડશે. જીવરાજપાર્ક ચાર રસ્તાથી એપીએમસી તરફ જવા માટે જીવરાજપાર્ક ચાર રસ્તાથી ડાબી બાજુ વળી મલાવ તળાવ ટીથી જમણી બાજુ વળી રજવાડું હોટલ થઈ જીવરાજ ચોકી ચાર રસ્તા થઈ વાહનો જઈ શકશે. જીવરાજ ચોકીથી જીવરાજપાર્ક ચાર રસ્તા તરફ જવા માટે ડાબી બાજુ વળી તીન બત્તી ત્રણ રસ્તાથી ભગવતી ફ્લેટ ચાર રસ્તા થઈ વેજલપુર ચોકી થઈ જીવરાજ ચાર રસ્તા તરફ જઈ શકાશે.

એસટી અને એએમટીએસ બસ તેમજ ભારે વાહનો એપીએમસીથી અંજલિ સર્કલ થઈ ધરણીધર ચાર રસ્તા તરફ જઈ શકશે. શ્યામલ ચાર રસ્તાથી માણેકબાગ ચાર રસ્તા થઈ અંજલિ સર્કલ તરફ વાહનો જઈ શકશે.

આનંદીબહેન આવતી કાલે વાસણા એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ રૂટનું ભૂમિપૂજન કરશે
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે આવતી કાલે સવારે ૧૧-૦૦ વાગ્યે મેટ્રો રેલવેના ઉત્તર દક્ષિણ કોરિડોરનું જીવરાજ પાર્ક ચાર રસ્તા ખાતે ભૂમિપૂજન કરાશે. વાસણા એપીએમસી માર્કેટ પાસેથી મોટેરા સ્ટેડિયમ સુધીના કુલ ૧૮.પર કિ.મી. લાંબા રૂટ પર ૧પ સ્ટેશન બનાવાશે. આ સમગ્ર કોરિડોર એલિવેટેડ હશે અને ર૦૧૮માં રૂ.૮૦૦ કરોડના ખર્ચે પ્રોજેકટને પૂર્ણ કરાશે.

જીવરાજથી શ્રેયસ સુધીનો રૂ.ર૭૦ કરોડનો કોન્ટ્રાકટ અપાયો
મેગા કંપની દ્વારા આ કોરિડોર હેઠળ જીવરાજ પાર્કથી રાજીવનગર થઇને શ્રેયસ ક્રોસિંગ સુધીના રૂટ માટે આઇએલ એન્ડ એફએસ એન્જિનિયરિંગ કંપનીને રૂ.ર૭૦ કરોડનો કોન્ટ્રાકટ અપાયો છે.

વિશ્વકર્મા સોસાયટી-મંગલદીપ કોમ્પ્લેકસના રહેવાસીઓની હાઇકોર્ટમાં રિટ

મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉત્તર-દ‌િક્ષણ કો‌િરડોરથી જીવરાજપાર્કની સૌરાષ્ટ્ર વિશ્વકર્મા સોસાયટીના ૪પ બંગલા પૈકી ૧૪ બંગલા અને મંગલદીપ કોમ્પ્લેકસના ત્રણ ફલેટ અને છ દુકાન કપાતમાં આવે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ હાઇકોર્ટ પહોંચ્યા છે. હાઇકોર્ટમાં ર૦ જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે. વિશ્વકર્મા સોસાયટીના કપાતમાં જનારા બંગલાની કિંમત રૂ.દોઢ કરોડથી વધુ છે જ્યારે ફલેટ-દુકાનની કિંમત રૂ.૧૦થી ૪૦ લાખ છે.

અસરગ્રસ્ત રહીશો શું કહે છે?
છેલ્લાં 50 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ. કાલે મેટ્રો રેલ લાઈન-2ના પ્રોજેક્ટ માટે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ઉદઘાટન કરવા આવવાનાં છે. તેમને કાલે અમે બિલ્ડીંગના લોકો મળી અમને સારું વળતર મળે તે માટે રજૂઆત કરવાનું વિચારી રહ્યા છે. આ મકાન જેવું મકાન મેળવવું ખૂબ મુશ્કેલ છે.
ગૌતમભાઈ શાહ, વિશ્વકર્મા સોસાયટી

બજારભાવ કરતાં વધુ વળતર મળવું જોઈએ. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, માટે આ મકાન તોડ્યા બાદ ક્યાં રહેવા જવું તે હજુ વિચારવાનું રહેશે. અમે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સમક્ષ રજૂઆત કરવાનું વિચારીએ છીએ.
નાનાલાલ બારોટ, વિશ્વકર્મા સોસાયટી

થોડા દિવસોમાં અમિત શાહ પાસે રજૂઆત કરવા ચોક્કસ જઈશું. જ્યારે જીવરાજથી જલારામ ક્રોસિંગ સુધી સિટીમાં અંદર મેટ્રો રૂટ રાખવાનો કોઈ મતલબ નથી. રૂટ રાખવો જ હોય તો સરખેજ પરત રાખવો જોઈએ, જેથી લોકોને અપ-ડાઉન કરવામાં સરળતા રહે.
કશ્યપ વૈષ્ણવ, વિશ્વકર્મા સોસાયટી

You might also like