જાકાર્તામાં પેરિસ જેવો આતંકવાદી હુમલોઃ સાત બ્લાસ્ટ, સાતનાં મોત

જાકાર્તા : ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તામાં ગઈ કાલે પેરિસ જેવા જ સિરિયલ બ્લાસ્ટ અને ફાયરિંગ થતાં ઈન્ડોનેશિયા ધણધણી ઊઠયું હતું. આતંકવાદીઓઅે વારા ફરતી સાત બ્લાસ્ટ કર્યા હતા. તેમાં વિદેશીઓને બંધક બનાવવા પ્રયાસ થયો હતો. પાંચ કલાક ચાલેલા આ હુમલામાં અેક કેનેડિયન નાગરિક સહિત સાત વ્યકિતનાં મોત થયાં હતાં. તેમજ અન્ય ૨૦ને ઈજા થઈ હતી. જેમાં ચાર વિદેશીઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.

જોકે અલ ઝઝીરા ન્યૂઝ ચેનલે જાકાર્તા હુમલામાં ૧૭નાં મોત થયાં હોવાનો દાવો કર્યો છે.આ હુમલામાં બે હુમલાખોરો જાતે જ મરી ગયા હતા. જ્યારે ત્રણ ફાયરિંગ કરતાં માર્યા ગયા હતા. તેમજ અન્ય બેને પોલીસે પકડી પાડ્યા હતા. આઈઅેસે આ હુમલાની જવાબદારી લેતાં જણાવ્યું હતું કે તેઓનાં નિશાન પર વિદેશી નાગરિકો અને સુરક્ષા દ‍ળ હતાં. ૨૦૦૯ બાદ જાકાર્તામાં થયેલો આ હુમલો સૌથી મોટો હતો. સૌથી વધુ મુસ્લિમ વસતીવાળા દેશ ઈન્ડોનેશિયામાં આઈઅેસનો આ પહેલો હુમલો છે.

પેરિસ હુમલા બાદ આતંકવાદી સંગઠને આ દેશને નિશાન બનાવવા ધમકી આપી હતી. જાકાર્તાના પોલીસ વડા ટિટો કારનાવિયને જણાવ્યું કે આ હુમલાનો માસ્ટર માઈન્ડ ઈન્ડોનેશિયાઈ નાગરિક બાહરૂન નઈમ છે. અેવું માનવામાં આવી રહ્યુ છે કે હાલ તે સિરિયાના રકકામાં છે. આતંકવાદી વિરોધી પોલીસ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ૨૦ શકમંદોની તપાસ કરી રહી છે. રાષ્ટ્રપતિ જોકો વિદોદોઅે આ હુમલાને વખોડતા લોકોને અફવાથી દૂર રહી ગભરાટમાં નહિ રહેવા અપીલ કરી છે.

આ હુમલો મધ્ય જાકાર્તાના થામરિન સ્ટ્રીટ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તારમાં સંયુકત રાષ્ટ્રની કચેરી અને અનેક દૂતાવાસ આવેલા છે. સૌથી પહેલો બ્લાસ્ટ સ્ટારબક્સ કાફે બહાર થયો હતો. જેમાં આગ લાગી હતી. બાદમાં નજીકના શરીના શોપિંગ સેન્ટર પાસે પોલીસ ચોકી બહાર બે હુમલાખોરોઅે પોતાની જાતને ઉડાવી દીધી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ અન્ય હુમલાખોરોઅે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ લગભગ ત્રણ કલાક ચાલુ રહ્યું હતું.

પોલીસ આ ઘટનામાં આતંકવાદી સંગઠન સાથે સંકાળાયેલા ૨૦ શકમંદની તપાસ કરી રહી છે. આ અગાઉ ૧૨ ઓકટોબર ૨૦૦૨માં બાલીના અેક નાઈટ કલબમાં સૌથી મોટો હુમલો થયો હતો. જેમાં ૨૦૨ લોકોનાં મોત થયાં હતાં. જેમાં મોટા ભાગના સહેલાણીઓ હતા. ત્યારબાદ ઈન્ડોનેશિયા પોલીસે દેશભરમાં અભિયાન ચલાવી કટ્ટરપંથીઓના નેટવર્કને તોડી નાંખ્યુ હતુ.

તુર્કીમાં આતંકી હુમલોઃ છનાં મોત
દરમિયાન ઈસ્તંબુલમાં હુમલા બાદ બીજા દિવસે તુર્કીમાં પણ આતંકવાદી હુમલો થતાં છ વ્યકિતનાં મોત થયાં હતાં. આતંકવાદીઓએ આ હુમલામાં દોઢ ટન વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં વિસ્ફોટ કરી આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ત્રણ બાળક સહિત છ લોકોનાં મોત થયાં હતાં. જયારે ૩૯ને ઈજા થઈ હતી. જોકે આ હુમલાની કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. ઈસ્તંબુલમાં થયેલા હુમલામાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે.

You might also like