જાગૃતિ બહેન પંડ્યાની બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે નિમણૂક

ગાંધીનગર: રાજ્યના ગૃહ મંત્રી સ્વ. હરેન પંડ્યાની પત્ની જાગૃતિબહેન પંડ્યાની આજે રાજ્ય સરકાર દ્વારા બાળસંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે નિમણૂક કરાઇ છે. તેઓ ત્રણ વર્ષ સુધી આ હોદ્દા પર પોતાની ફરજ નિભાવશે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના એસ. જી. ભાભોરે આજે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને જાગૃતિબહેન પંડ્યાની રાજ્યના બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે નિમણૂક કરી હતી. ગત તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨એ રાજ્યમાં બાળ સંરક્ષણ આયોગની સ્થાપના કરાઇ હતી.

કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એકટ, ૨૦૦૫ની કલમ-૧૯ હેઠળ જાગૃતિબહેન ચેરપર્સન તરીકેના હોદ્દાની મુદત તેઓ હોદ્દો સંભાળે તે તારીખથી ત્રણ વર્ષ માટેની રહેશે.

બાળ સંરક્ષણ આયોગના સભ્ય ભારતીબહેન તડવી ચેરપર્સન તરીકેનો વધારાનો હવાલો સંભાળતા હતા. પરંતુ હવે તેમને આ વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની અગાઉની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)માં જોડાઇને જાગૃતિબહેન એલિસબ્રિજ વિધાનસભા મત વિસ્તારમાંથી ડિસેમ્બર-૨૦૧૨માં ચૂંટણી લડી ચૂક્યા છે. એલિસબ્રિજ વિધાનસભા મત વિસ્તાર તેમના સ્વર્ગસ્થ પતિ હરેન પંડ્યાનો મત વિસ્તાર હતો.

જો કે જાગૃતિબહેનના નિકટવર્તીય વર્તુળોના જણાવ્યા મુજબ, તેઓ કે તેમના પતિ સ્વ. હરેન પંડ્યા ભાજપ વિરોધી ન હતા. જાગૃતિબહેને પોતાના પતિને ન્યાય અપાવવા માટે ચૂંટણી લડી હતી અને હવે તો કેશુભાઇ પણ ભાજપમાં હોઇ પક્ષ સાથે મતભેદ હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જોકે હજુ પણ તેમણે ભાજપમાં જોડાવા અંગે કોઇ નિર્ણય કર્યો નથી.

દરમ્યાન આજે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુએ જાગૃતિબહેન પંડ્યાની બાળ સંરક્ષણ આયોગ પદના ચેરપર્સન તરીકે નિમણૂક કરાઇ હોવાની જાહેરાત કરી હતી. પ્રદેશ પ્રમુખ ફળદુએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્વ. હરેન પંડ્યાની ભારે પ્રશંસા કરતા જાગૃતિબહેનની નિમણૂકને ઉમળકાભેર આવકારી હતી.

You might also like