મોડી રાતે બાપુનગરમાં સામાન્ય બાબતે જૂથ અથડામણ

અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે બાઇક નહીં લઇ જવા જેવા સામાન્ય મુદ્દે બે જૂથ તલવારો અને ચપ્પાં લઇને આમને સામને આવી જતાં મામલો બીચક્યો હતો. જેમાં એક મહિલા અને એક યુવકને સામાન્ય ઇજા પહોંચતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે .

કાલે બાપુનગરમાં આવેલા અકબરનગરમાં છાપરાંમાં બપોરે બાઇક લઇ જવાને મુદ્દે બે જૂથ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી. જોકે મોડી રાતે સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર રૂપ ધારણ કરી લેતાં બે જૂથ તલવારો અને ધારિયાં લઇને આમને સામને આવી ગયાં હતાં જ્યાં એક તરફે અસદ અબ્દુલા શેખ, ફઝલ, અલ્તાફ, લવલી અને અન્ય ઇસમો હથિયારો લઇને સામે તરફે જેહરુનીશા નામની મહિલા, શરીફાબાનુ, ફરીદખાન અને મુફજલ ખાન ઉપર હુમલો કર્યો હતો.

અસદ શેખ અને જહેરુનીશાને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ બાપુનગર પોલીસને થતાં તેમને અકબરનગરના છાપરામાં જઇને મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ કરી હતી. આ મુદ્દે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ રાજન લાડવાએ જણાવ્યુ છેકે બન્ને પક્ષે અમે ફરિયાદ દાખલ કરીને તમામ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે ત્યારે ધટનામાં બન્ને પક્ષના ફરિયાદીઓને સામાન્ય ઇજા પહોચી હતી.

You might also like