ર૬/૧૧ના હુમલાની આજે સાતમી વરસીઃ શહીદોને ફડણવીસની શ્રદ્ધાંજલિ

મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઇ પર ર૬/૧૧ના આતંકી હુમલાની આજે સાતમી વરસી છે. ર૬ નવેમ્બર, ર૦૦૮ની રાત્રે અચાનક મુંબઇ ત્રાસવાદીઓની ગોળીઓથી ધણધણી ઊઠયું હતું. પાક. પ્રેરિત આતંકવાદીઓએ ફાઇવ સ્ટાર હોટલો, સીએસટી રેલવે સ્ટેશન અને એક યહૂદી કેન્દ્રને નિશાન બનાવ્યું હતું.

આજે સાત વર્ષ બાદ પણ આ આતંકી હુમલાના જખમો તાજા છે અને સાત વર્ષ બાદ પણ શહેરના ભીડભાડવાળા વિસ્તારો અસુર‌િક્ષત છે. ર૬/૧૧ના હુમલામાં એટીએસ સ્કવોડના વડા હેમંત કરકરે સહિત મુંબઇના અનેક ટોચના અધિકારીઓ શહીદ થયા હતા.

આજે મુંબઇ હુમલાની સાતમી વરસી નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નરિમાન પોઇન્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શહેરના લિયોપોલ્ડ કાફે અને સીએસટીથી શરૂ થયેલ આતંકનું તાંડવ ફાઇવસ્ટાર હોટલ તાજમહેલમાં પૂરું થયું હતું.

મુંબઇ શહેરને આતંકના આ કાળા ઓછાયામાંથી બહાર કાઢતાં સુરક્ષા કર્મીઓને ૬૦ કલાકથી વધુ સમય લાગ્યો હતો. મુંબઇ પરના આ સૌથી મોટા આતંકી હુમલામાં ૧૬૦ કરતાં વધુ લોકોનાં મોત થયાં હતાં.

You might also like