૨૬/૧૧ હુમલામાં પાકિસ્તાનની તપાસ એક નાટક હતું : હેડલી

મુંબઈ : પાકિસ્તાની-અમેરિકી આતંકી ડેવિડ કોલમેન હેડલીએ આજે જણાવ્યું હતું કે તેના સૂત્રધારોએ તેને કહ્યું હતું કે ૨૬/૧૧ હુમલામાં તેની તથા લશ્કર-એ-તોઈબાના અન્ય સભ્યો સામેની પાકિસ્તાની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસ કાર્યવાહી એક નાટક સમાન છે. તેમણે એવું પણ કહ્યું હતું કે ઝકી ઉર રહેમાન લખવી અને હાફિઝ સઈદને કશું થશે નહીં.

અમેરિકાથી વીડિયો લિંક મારફતે ગયા સોમવારથી જુબાની આપી રહેલા ૫૫ વર્ષીય આતંકવાદીએ ૨૬/૧૧ હુમલા પછીની આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે પાક. સરકારે જ્યારે આ હુમલાની તપાસ શરૂ કરી હતી ત્યારે તેના સૂત્રધાર લશ્કરના સાજિદ મીરે તેને જણાવ્યું હતું કે લખવી અને હાફિઝ બંને સલામત છે અને તેમને કશું થશે નહીં.

હેડલીએ અદાલતને કહ્યું કે પહેલા લશ્કર-એ-તોઈબા અને પછી અલ-કાયદામાં જોડાયેલા પાકિસ્તાની લશ્કરના પૂર્વ મેજર અબ્દુલ રહેમાન પાશાએ તેને જણાવ્યું હતું કે લખવી, હાફિઝ સઈદ અને લશ્કરના અન્ય સભ્યો સામેની પાકિસ્તાની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસ કાર્યવાહી દેખાવ પૂરતી છે.

હેડલીએ તેની અને લશ્કરના સૂત્રધાર મીર વચ્ચે ઈ-મેલ અંગે પણ ખુલાસો કર્યો હતો.

હેડલીએ કહ્યું કે તેમની વચ્ચે ૩ જુલાઈ, ૨૦૦૯થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૯ સુધી ઈ-મેલ વ્યવહાર થયો હતો.  મીરે તેના ઘણાં ઈ-મેલના જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે લખવી સહીસલામત છે. હેડલી અને મીરે ઈ-મેલમાં સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતા હાફિઝ સઈદને વૃધ્ધ કાકા અને લખવીને યુવાન કાકા કહ્યાહતા.

હેડલીએ ૨૦ ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ મીરને એક ઈ-મેલ મોકલીને પૂછ્યું હતું કે શું  વૃધ્ધ કાકા હજુ પણ તપાસના ઘેરામાં છે. મીરે જવાબમાં કહ્યું હતું કે  વૃધ્ધ કાકા હેમખેમ છે.અફવાઓ પર ધ્યાન આપવું નહીં. હેડલીએ કહ્યું કે આઈએસઆઈના મેજર ઈકબાલની સૂચના પર તે ૨૦૦૯માં પૂણેમાં ભારતીય સૈન્યના દક્ષિણ કમાન્ડના મુખ્યમથકે ગયો હતો.ઈકબાલ ઈચ્છતો હતો કે તે કેટલાક સૈનિકોની ભરતી કરે જેથી તેમની પાસેથી ‘ગુપ્ત’ માહિતી મેળવી શકાય.

કેસમાં સરકારી સાક્ષી બની ચૂકેલા હેડલીએ જણાવ્યું હતું કે તે માર્ચ ૨૦૦૯માં પુષ્કર, ગોવા અને પૂણે ગયો હતો.  લશ્કરના ઈલિયાસ કાશ્મીરીના કહેવાથી તેણે આ શહેરોની રેકી કરી હતી. મુખ્યમથકની મુલાકાત લેતા તેણે બહારથી તેનો એક સામાન્ય વીડિયો ઉતાર્યો હતો. તેણે તમામ ત્રણે શહેરોના ઘણાં સ્થળોનો વીડિયો ઉતાર્યો હતો.

૨૬/૧૧ના મુંબઈ ત્રાસવાદી હુમલા કેસમાં આતંકી ડેવિડ કોલમેન હેડલીની અમેરિકાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં પાંચમા દિવસે જુબાની ચાલી રહી છે. ડેવિડ હેડલીએ આજે એવો પર્દાફાશ કર્યો હતો કે મુંબઈ હુમલા બાદ માર્ચ, ૨૦૦૯માં તે મહારાષ્ટ્રના પૂણે અને રાજસ્થાનના પુષ્કર પણ ગયો હતો અને ત્યાંના લશ્કરી સંસ્થાનોની રેકી કરી હતી અને તેના વીડિયો પણ તૈયાર કર્યાં હતા.

હેડલીએ એક દિવસ પહેલાં જ ખુલાસો કર્યો હતો કે ૨૬/૧૧ના મુંબઈ હુમલા બાદ તે અલ કાયદા માટે કામ કરવા લાગ્યો હતો. દિલ્હીની નેશનલ ડિફેન્સ કૉલેજ પણ અલ કાયદાના નિશાન પર હતી. હેડલીએ એવી પણ કબૂલાત કરી હતી કે ત્રાસવાદીઓને કરાચીથી બધી સૂચનાઓ મળી રહી હતી. ત્રાસવાદીઓ ભારતીય મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા. હેડલીએ વધુમાં જણાવ્યું હતું કે સાજિદ મીરે મને એક ભારતીય ફોન આપીને જણાવ્યું હતું કે વાઘા બોર્ડર સુધી જઈને ચેક કરી લે કે આ ફોન ત્યાં કામ કરે છે કે નહીં.

૨૬/૧૧ના હુમલા કેસમાં સરકારી વકીલ ઉજ્જવલ નિકમે જયારે હેડલીને કસાબનો ફોટો બતાવ્યો ત્યારે તેણે ‘અલ્લા રહમ કરે’ એવા શબ્દો ઉચ્ચાર્યા હતા. ઉજ્જવલ નિકમના એક સવાલ પર હેડલીએ જણાવ્યું હતું કે હા, હું મુંબઈ હુમલા બાદ અલ કાયદાનો ઓપરેટિવ બની ગયો હતો અને અલ કાયદાના નિશાન પર દિલ્હીની નેશનલ ડિફેન્સ કૉલેજ પણ હતી.

હેડલીએ જણાવ્યું હતું કે મારી પત્ની ફૈઝા એક વાર હાફિઝ સઈદને મળવા ગઈ હતી. તેણે હાફિઝને કહ્યું હતું કે તમે હેડલીને મનાવો કે જેથી મને તે ફરીથી પત્ની તરીકે અપનાવી લે. મેં ફૈઝાને અગાઉથી તલ્લાક આપી દીધા હતા. હેડલીએ જણાવ્યું હતું કે આ માટે હાફિઝ સઈદે મને વાતચીત કરવા પણ બોલાવ્યો હતો.

You might also like