પાકિસ્તાન પર અમેરિકાનો હુમલો, 26નાં મોત, 10થી વધુ ઘાયલ

અમેરિકાએ ફરી એક વાર પાકિસ્તાન પર હુમલો કર્યો છે. અમેરિકન ડ્રોને પાકિસ્તાન-અફ્ઘાનિસ્તાન બોર્ડર પર હક્કાની નેટવર્કને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોનાં મોત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં રાષ્ટ્રપતિ બન્યા બાદ પાકિસ્તાન ઉપર આ ચોથો ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે.

આતંકવાદને પોષી રહેલા પાકિસ્તાન વિરૂદ્ધ અમેરિકાએ વધુ એક કાર્યવાહી કરી છે. જેમાં અમેરિકાએ પાકિસ્તાન ઉપર ડ્રોન વિમાનો દ્વારા હુમલો કરી દીધો છે. પાકિસ્તાન -અફ્ઘાનિસ્તાન બોર્ડર પર આ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને પાકિસ્તાની સરકાર ખૌફમાં અને સાથે રોષમાં પણ છે. આ પૂર્વે અમેરિકાએ અનેકવાર પાકિસ્તાની સરકારને ચેતવી હતી કે તે હક્કાની નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકોને ગંભીર રીતે ઈજા થઇ છે. જ્યાં હુમલો કરાયો છે એ વિસ્તાર
હક્કાની નેટવર્કનો ગઢ મનાય છે. અમેરિકાનાં ડ્રોન વિમાને આ વિસ્તારમાં છ જેટલી મિસાઇલો છોડી હતી. આ પૂર્વે સોમવારે પણ આ વિસ્તારમાં હુમલો થયો હતો, જેમાં 14 લોકોનાં મોત થયા હતા. માર્યા ગયેલાઓમાં બે તાલીબાની કમાન્ડર પણ શામેલ છે. સ્થાનિક મીડિયાનું માનીએ તો હજી પણ ડ્રોન વિમાનો આ વિસ્તારમાં ઉડી રહ્યા છે.

અફ્ઘાનિસ્તાનમાં નાટો સેના અને ઇન્ડિયન એમ્બેસી નજીક થોડા સમય પહેલા એક હુમલો થયો હતો. આ હુમલામાં હક્કાની નેટવર્કનો હાથ હતો. જેને લઈ અમેરિકા છેલ્લા ઘણા સમયથી નારાજ હતું. જેની નારાજગી હવે હુમલા સ્વરૂપે ઉતરી આવી છે. તો સામે પક્ષે પાકિસ્તાનનાં વિદેશમંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે અમેરિકાએ પાકિસ્તાનનું માન જાળવવું જોઈએ. પાકિસ્તાનનો દાવો છે કે તે અફ્ઘાનિસ્તાનમાં શાંત માટે તાલિબાન અને અન્ય સંગઠનો સાથે વાત કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકાનો આ હુમલો તેમનાં શાંતિનાં પ્રયાસોને ડહોળી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી આતંકવાદ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ છે. અમેરિકા અનેક વાર પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવા માટે કહી ચૂક્યું છે. છતાં ટ્રમ્પનાં આવ્યા બાદ અમેરિકાએ ચાર જેટલા ડ્રોન હુમલા કરી પાકિસ્તાનની હાલત ખરાબ કરી દીધી છે. જો કે આતંકનું ગઢ બનેલું પાકિસ્તાન હવે તેની જ બાજીમાં દરેક રીતે મ્હાત થઈ રહ્યું છે.

You might also like