પ્રજાસત્તાક‌િદને બે અફઘાની આતંકીના હુમલાનો ખતરો

નવી દિલ્હી: પ્રજાસત્તાક‌િદને દેશના પાટનગર દિલ્હીમાં સુરક્ષા જાપ્તો કડક બનાવવામાં વ્યસ્ત ગુપ્તચર એજન્સીઓ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ઓછામાં ઓછા બે શકમંદ અફઘાની આતંકવાદીઓની શોધ છે. આ અફઘાની આતંકીઓ અંગે પોલીસ સાઉથ દિલ્હીના લાજપતનગર, ભોગલ અને ખીડકી એક્સ્ટેન્શનમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે.

આ વિસ્તારોમાં મોટા પાયે અફઘાની પ્રવાસીઓ અને શરણાર્થીઓ રહે છે. આ સુરક્ષા અભિયાન એવા સમયે શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે તાજેતરમાં વિવિધ સુરક્ષા પ્રતિષ્ઠાનોના અધિકારીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી, તેમાં ગુપ્તચર એજન્સીના વડાએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓના કેટલાક ઈનપુટ્સ શેર કર્યા હતા.
અફઘાન પાસપોર્ટ પર ભારતમાં પ્રવેશેલા આ આતંકીઓ પ્રજાસત્તાક દિને દેશમાં હુમલો કરવાની ફિરાકમાં છે. ડિસેમ્બર ૨૦૧૫માં જૈશના કાબુલ સ્થિત એક સંગઠને બે આતંકીઓને ભારત મોકલ્યા હતા. આ બંને આતંકીઓ જાન્યુઆરી સુધી દિલ્હીના લાજપતનગરમાં રહેતા હતા. જોકે હુમલાની તૈયારીઓને અંજામ આપવાની પ્રેક્ટિસ દરમિયાન અકસ્માતે એક ઓછી તીવ્રતાવાળો આઈઈડી બ્લાસ્ટ બાદ તેઓ મિશન અધૂરું છોડીને નાસી ગયા હતા.

રાજપથ અને નવી દિલ્હીના વિસ્તારોની સઘન તપાસ ચાલી રહી છે. સુરક્ષાવ્યવસ્થાને સઘન બનાવવા ૨૫ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ઝોન પર એક સિનિયર અધિકારી અને એક ગુપ્તચર એજન્સીના જાસૂસી નજર રાખશે.
http://sambhaavnews.com/

You might also like