પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુ.ની પરેડ પર ISISના હુમલાનો ખતરો

નવી દિલ્હી: દેશના પ્રજાસત્તાક દિનના ઈતિહાસમાં પ્રથમવાર પરેડની સમયાવધિ ૧૨૦ મિનિટથી ઘટાડીને ૯૨ મિનિટ એટલે કે દોઢ કલાકની કરવામાં આવી છે. આ વખતે ભારત તિબેટ સીમા પોલીસ (આઈટી બીપી), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) અને સશસ્ત્ર સીમા દળની માર્ચિંગ સ્કોડ ભાગ લેશે નહીં. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ અને ઝાંખીઓ પણ પરેડનો ભાગ રહેશે નહીં.

આઈએસઆઈએસની પ્રવૃત્તિઓ દુનિયાભરમાં વધી રહી છે. ભારત પણ તેનાં નિશાન પર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશને તેના ખતરા અંગે ચેતવણી આપી છે. ખાસ કરીને ‘લોન વુલ્ફ એટેક’થી સાવચેત રહેવા તાકીદ કરી છે. કેન્દ્રીય ગૃહપ્રધાનના જણાવ્યા અનુસાર આ વર્ષે પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીના રોજ આઈએસઆઈએસના ખતરાને લઈને સુરક્ષા તંત્ર વધુ ચિંતિત છે, કારણ કે આ વખતે ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ફ્રાંન્સવા ઓલાન્દે મુખ્ય અતિથિ છે અને તેથી પ્રજાસત્તાકદિન સમારોહ પર ISISનો ગંભીર ખતરો છે.

આ વખતે તો પ્રજાસત્તાક‌ િદન પરેડનાં રિહર્સલ દરમિયાન પણ જડબેસલાક સુરક્ષા જાપતો રાખવામાં આવ્યો છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ વિજય ચોક સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અેક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ વખતે ત્રાસવાદીઓનો ખાસ કરીને આઈએસઆઈએસનો સૌથી વધુ ખતરો છે અને તેથી બધાંને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે. આ વખતે પ્રજાસત્તાક દિન ‘લોન વુલ્ફ એટેક’નો ગંભીર ખતરો છે. ‘લોન વુલ્ફ એટેક’ એટલે કે ત્રાસવાદી ગ્રૂપ સાથે સંકળાયેલ કોઈ એક વ્યક્તિ એકલી જ હુમલો કરે.

આઈએસઆઈએસના ખતરા અંગે ગૃહ મંત્રાલયે એક ખાસ બેઠકનું પણ આયોજન કર્યું હતું. આ બેઠકમાં ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ૧૩ રાજ્યના પોલીસ મહાનિદેશકો પણ હાજર રહ્યા હતા.

You might also like