એસ.જી. હાઈવે પર આવેલી કંપનીનાં જનરલ મેનેજરે બારોબાર કંપનીની પ્રોપાઈટરશિપ બનાવી લીધી

અમદાવાદ : શહેરનાં એસ.જી. હાઈવે પર આવેલાં થલતેજ વિસ્તારમાં આવેલી એક કંપનીનાં જનરલ મેનેજરે બારોબાર પ્રોપરાઈટશિપ બનાવી કંપનીને રૂ. ૩૫ લાખનું નુકસાન પહોંચાડયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે પોલીસે જનરલ મેનેજર સામે તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૪માં એસજી હાઈવે પર ટાઈટેનિયમ સ્કવેરમાં આવેલી કાઉલ્ડલોન ઈન્ફોસોફટ પ્રાઈવેટ લિમિટેડ અને જી.એમ.ડી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડને ઓફિસ આવેલી હતી જેમાં જનરલ મેનેજર તરીકે જીગ્નેશભાઈ સી. પટેલ હતાં.

કંપનીની તમામ પ્રકારની ઓથોરિટી અને નાણાંકીય વ્યવહાર જીગ્નેશભાઈ પટેલ કરતાં હતાં. વર્ષ ૨૦૧૧માં કાઉલ્ડલોન ઈન્ફોસોફટ પ્રાઈવેટ લિમિટેડ નામની નવી કંપની બનાવાઈ હતી. જીગ્નેશ પટેલે કંપનીનાં ભળતાં નામ વાળું કાઉલ્ડલોન ઈન્ફોસોફટ પ્રોપરાઈટરશિપ ઊભી કરી અને નાણાંકીય વ્યવહારો કરી લીધાં હતાં.બારોબાર તેઓએ તેમના પત્ની જાગૃતિબેન પટેલને તેઓએ કાઉલ્ડલોન ઈન્ફોસોફટ નામની કંપનીના પ્રોપરાઈટર બનાવી દીધા હતાં.

જીગ્નેશભાઈએ પ્રોપરાઈટરશિપ ઊભી કરી જુદા જુદા કર્મચારીઓ પાસેથી નાણાં પરત મેળવી તથા ખોટા ખર્ચાઓ બતાવી અને રૂ. ૩૫ લાખ જેટલી ઉચાપત કરી લીધી હતી. આ બાબતે કંપનીના માલિક ડો. રાજને જાણ થતાં તેઓએ તપાસ કરાવતાં કંપનીનાં કર્મચારીઓનાં પરિવારનાં જુદા જુદા સભ્યો પાસેથી પૈસા પરત મેળવેલાં હતાં. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like