શહેરમાં ઘુસાડાતો રૂ.રપ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: રાજસ્થાનથી કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ લવાઇ રહ્યો હતો ત્યારે પોલીસે શામળાજી નજીકથી આ કન્ટેનરને ઝડપી લઇ તેમાંથી રૂ.રપ લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનના ઉદયપુર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કન્ટેનર શામળાજી ચેક પોસ્ટ થઇ અમદાવાદ તરફ જઇ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર વોચ ગોઠવી હતી.

દરમિયાનમાં એક કન્ટેનર મોડી રાત્રે પસાર થતાં પોલીસે તેને રોકી જડતી કરતાં તેમાંથી જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. જેની કિંમત આશરે રૂ.રપ લાખ જેટલી થવા જાય છે.

પકડાયેલા ટ્રકચાલકની પૂછપરછ કરતાં તેણે આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના એક પ્રખ્યાત બુટલેગરને પહોંચાડવાની કબૂલાત કરી હતી. આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદમાં કયા બુટલેગરને અને કયાં પહોંચાડવાનો હતો તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

You might also like