વિદેશ મંત્રાલયમાં ઓવરસીઝ મંત્રાલયનો વિલય થઈ જશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રધાન અને ઓવરસીઝ અફેર પ્રધાનના હોદ્દાઓ એક કરીને બંને મંત્રાલયોનો વિલય કરવા મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી વિદેશ અને ઓવરસીઝ મંત્રાલય અલગ અલગ હતા.

૨૦૧૪માં મોદી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને વી.કે. સિંહ આ બંને મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને મંત્રાલયોની કામગીરી લગભગ સરખી છે. એટલે સુધી કે જો કોઈ સંસદ સભ્ય ઓવરસીઝ બાબતોને લઈને કોઈ પ્રશ્ન ઉઠાવે તો તેનો જવાબ પણ ઈન્ડિયન મિશનથી આવ્યા બાદ જ આપવામાં આવતો હતો.
વિદેશ મંત્રાલય તરફથી યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયની આગેવાની હેઠળ આ વિલયની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે. સરકારે મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના સિદ્ધાંતને અનુસાર આ નિર્ણય કર્યો છે.

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને આ બાબતે વડા પ્રધાનનો આભાર માન્યો છે. તેમને જણાવ્યું હતું કે મેં જ વડા પ્રધાનને ઓવરસીઝ મંત્રાલયનો વિદેશ મંત્રાલયમાં વિલય કરવા માટે સૂચન કર્યું હતું અને વડા પ્રધાને મારા સૂચનને સ્વીકારી લીધું છે.

You might also like