અમદાવાદના ચાર બુકીનો ખેલ: માત્ર ચાર મહિનામાં ૨૪૬૯ કરોડનો સટ્ટો!

અમદાવાદ: વડોદરામાંથી માર્ચમાં પકડાયેલા ક્રિકેટ સટ્ટાના રેકેટનો આંક રૂ.૬૦૦ કરોડ નહીં પણ ૨૪૬૯ કરોડ ૯૯ લાખ ૮૭૫૦ હજારે પહોંચ્યો હોવાનો ઘટસ્ફોટ એન્ફોર્સમેન્ટ વિભાગે કર્યો છે. એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા જિલ્લા કોર્ટમાં એક આરોપીની જામીનઅરજીમાં કરેલી એફિડેવિટમાં અમદાવાદના ચારેય બુકીઓએ ૧ ડિસેમ્બર, ૨૦૧૪થી ૧૯ માર્ચ, ૨૦૧૫ સુધી ક્રિકેટની રમાયેલી મેચોમાં ૨૪૬૯ કરોડ ૯૯ લાખ ૮૭૫૦નો સટ્ટો રમાયો હતો, જેમાં દરેક મેચે ૨૦ કરોડના હવાલા પાકિસ્તાન, દુબઈ અને લંડનમાં પડતા હતા.

અમદાવાદના ચારેય બુકીઓ ૨૦૦૭થી ક્રિકેટના સટ્ટાનું રેકેટ ચલાવતા હોવાના પુરાવા ઈડીને હાથમાં લાગ્યા હતા, જેના આધારે ઈડીએ અમદાવાદના બુકીઓએ ખરીદી મિલકતોની માહિતી મેળવીને તેને ટાંચમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, જોકે એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓને આ કેસમાં લાંચના ભરડામાં ફસાવી દેતાં તેમની બદલીઓ થઈ હતી, જેના લીધે હાલમાં આ તપાસ મંદગતિએ ચાલી છે.

વડોદરાના આજવા પાસેના એક ફાર્મ પર એન્ફોર્સમેન્ટ વિભાગે દરોડો પાડીને કિરણ માલા, ટોમી પટેલ ઉર્ફે ગિરીશ પુરષોતમ પટેલ, ચિરાગ પરીખ સહિત અન્યને ક્રિકેટનો સટ્ટો રમતાં ઝડપી લીધા હતા.પકડાયેલા બુકીઓ પાસેથી મળી આવેલ મોબાઈલના આધારે ક્રિકેટના સટ્ટા સાથે હવાલા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં બુકીઓના અમદાવાદ ખાતેના રહેઠાણ પર દરોડાઓ પાડીને હિસાબની ડાયરીઓ અને બેંકની પાસબુક અને ચેકબુકો કબજે લીધી હતી.

એન્ફોેર્સમેન્ટ વિભાગે ક્રિકેટના સટ્ટા સાથે હવાલા રેકેટ પાકિસ્તાન, દુબઈ અને લંડનમાં પથરાયંુ હોવાના પુરાવા મળતા દિલ્હીથી મૂકેશ દિલ્હી સહિતના બુકીઓ પાસેથી કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે લીધા હતા, જેમાં મુંબઈ સહિતના નામચીન બુકીઓનાં નામો બહાર આવ્યા હતા. બીજી તરફ એન્ફોર્સમેન્ટ વિભાગના ગુજરાતના ડાયરેકટર અને તેમના તાબાના અધિકારીઓ સામે સીબીઆઈએ લાંચનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, જેના લીધે એન્ફોર્સમેન્ટ વિભાગના ગુજરાતના ડાયરેકટર સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી.એન્ફોર્સમેન્ટ વિભાગમાં અપૂરતા સ્ટાફના અભાવે કિક્રેટના સટ્ટાના બુકીઓ સામેની તપાસ મંદગતિએ ચાલી રહી છે.

બીજી તરફ તાજેતરમાં મુંબઈના બુકી પરેશ ઉર્ફે અસરપોટા ઉર્ફે ભાટિયાએ અમદાવાદ જિલ્લા કોર્ટમાં જામીન મેળવા માટે અરજી કરી હતી, જેમાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા એફિડેવિટ કરીને આગોતરા જામીન નહીં આપવા માટે રજૂઆત કરી હતી, જેમાં ઈડીએ એવી રજૂઆત કરી હતી કે મારુતિ અમદાવાદના ચારેય બુકીઓ દ્વારા ૧ ડિસેમ્બર, ૨૦૧૪થી ૧૯ માર્ચ, ૨૦૧૫ સુધી કુલ રૂ.૨૪૬૯ કરોડ ૯૯ લાખ ૮૭૫૦ હજારનો સટ્ટો રમાડ્‌યો હતો. કિક્રેટ સટ્ટાના તાર પાકિસ્તાન, દુબઈ અને લંડન સુધી પથરાયા હોવાથી અરજી ફગાવી દેવા માટેની ઈડીની રજૂઆત કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ઉલ્લેખનીય છે કે મારુતિ અમદાવાદના બુકીઓ કોડવર્ડથી સટ્ટાનું અને હવાલાનું રેકેટ આંગડિયા મારફતે ચલાવતા હતા.

વર્ષે ૧૦ હજાર કરોડના હવાલા વિદેશમાં પડતા હતા
ક્રિકેટ સટ્ટાના ઓથા હેઠળ દેશમાંથી દર વર્ષે ૧૦ હજાર કરોેડથી વધુ રૂપિયા હવાલાથી વિદેશ મોકલતા હતા, એટલું જ નહીં પકડાયેલા સાત બુકીઓની તપાસ દરમ્યાન છેલ્લા ચાર વર્ષમાં દેશમાંથી હવાલા મારફતે અત્યાર સુધી ૩૫ હજાર કરોેડથી વધુ રૂપિયા વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાના પુરાવા હાથમાં લાગ્યા છે. જયપુરના બુકી મારફતે પાકિસ્તાનના બુકીઓ પાસે અબજો રૂપિયા મોકલી દીધા હતા.જેના સીધા પુરાવા એન્ફોર્સમેન્ટ વિભાગને હાથ લાગતા તે કેન્દ્રીય ગૃહ વિભાગને સોંપવામાં આવ્યા છે.

ત્રણ આઈપીએસને છાંટા ઊડ્યા હતા
વડોદરામાંથી ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયા બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓ સહિત આઠ પોલીસ અધિકારીઓનાં નામ બહાર આવ્યા હતા. જેના પગલે લાંચરુશવત વિરોધી દળના વડા ખુદ ઈડીની ઓફિસ જઈને ચારેય બુકીઓની પૂછપરછ કરી હતી. ત્યારબાદ એસીબીએ તેમની રીતે તપાસ આદરી હતી. જેમાં ક્રિકેટના સટ્ટામાં ત્રણ આઈપીએસ સહિત અન્ય પોલીસ અધિકારીઓનાં નામો બહાર આવ્યા હતા. જો કે અા તપાસ અારોપી લેવાઈ હતી!

૨૫ કેસોની તપાસ મંદગતિએ ચાલી રહી છે
એન્ફોર્સમેન્ટ વિભાગમાં અપૂરતા સ્ટાફને લીધે ૨૫ જેટલા કેસોની તપાસ મંદગતિએ ચાલી રહી છે.૨૦૧૩થી એન્ફોર્સમેન્ટ વિભાગે નીચલી કોર્ટોમાં આશરે ૨૪ જેટલા કેસો દાખલ કર્યા છે. જ્‌યારે ૩૫ જેટલા કેસોમાં તપાસ ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ વિભાગના ત્રણ જેટલા અધિકારીઓની આશરે ચાર માસ અગાઉ બદલી થઈ હતી. એન્ફોર્સમેન્ટ વિભાગમાં ડાયરેકટરની જગ્યા ખાલી છે.હાલમાં ગોવાના ડાયરેકટરને ચાર્જ સોંપવામાં આવ્યો હોય સપ્તાહમાં બે દિવસ ગુજરાતમાં આવે છે. જયારે ચાર જેટલી જગ્યા ખાલી હોવાથી આશરે ૧૫ હજાર કરોડના હવાલાના ૨૫ કેસોની તપાસ મંદગતિએ ચાલી રહી છે.

બુકીઅો માસ્ટર લોગ ઇન અાઈડી ૨.૪૦ કરોડમાં મેળવતા હતા
લંડનની વેબસાઇટ www.betfair.comનું સુપર માસ્ટર લોગઈન આઇડી ર કરોડ ૪૦ લાખ આંગડિયા મારફતે મેળવીને સુખવિંદર સિંઘ સોઢી અમદાવાદના બુકીઓને આપતો હતો. અમદાવાદના બુકીઓ દ્વારા દરેક સુપર માસ્ટર લોેગઈન આઇડીમાંથી તેમના હાથ નીચે કામ કરનારને ૧૦ માસ્ટર લોગઈન આઇડીમાં ૩૦ કલાયન્ટ આઇડી આપવામાં આવતા હતા, જેના લીધે એક સુપર માસ્ટર લોગઈન આઇડીમાંથી ૩૧૦ એકાઉન્ટ ખોલીને ક્રિકેટનો સટ્ટો રમવાની ક્ષમતા ધરાવતી હતી. આ સુપર માસ્ટર લોગઈન આઇડી માટે અત્યાર સુધીમાં ૪૦થી પ૦ કરોડની રકમ ચૂકવવામાં આવી હતી.

મૂકેશ દિલ્હીએ અમદાવાદના ચાર બુકી પાસેથી ૧ ડિસેમ્બર, ૨૦૧૪થી ૧૬ માર્ચ, ૨૦૧૫ સુધીમાં વેબસાઇટ બેટફેર ડોટકોમનો સુપર માસ્ટર લોગઈન આઇડી માટે ૬૦,૭૧,૭૫,૦૯૦ની રકમ મેળવી હતી. જ્‌યારે અંકુશ બંસલે આ જ સમય દરમ્યાન ૮૧,૬૩,૫૦,૦૨૦ની રકમ મેળવી હતી. ક્રિકેટ સટ્ટાનું ઓપરેશન યુકે સ્થિત વેબસાઇટ www.betfair.com દ્વારા પાર પડાતું હતું.

You might also like