૨૪ કલાક પાણીનો પ્રોજેક્ટ થવાનો છે તે જોધપુરમાં એક ટાઈમનાં ય ફાંફાં

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના અણઘડ આયોજનથી શહેરીજનોને નિયમિત સવારે બે કલાક પાણીનો પુરવઠો મળતો નથી. આખા ઉનાળામાં ઠેરઠેર પાણીનો કકળાટ સર્જાઈને રોષે ભરાયેલી ગૃહિણીઓએ વિવિધ ઝોનલ ઓફિસ કે વોર્ડ ઓફિસમાં માટલાં ફોડીને તંત્ર પર પસ્તાળ પાડી છે. રાસ્કા આધારિત વિસ્તારો તો શેઢી કેનાલનું રિપેરિંગ ટલ્લે ચઢવાથી ભારે મુસીબતમાં મુકાયા છે, પરંતુ નવા પશ્ચિમ ઝોન કે જ્યાં સ્ટેગરિંગથી પાણી પૂરું પડાય છે તેવા ઝોનના જોધપુર જેવા પોશ વોર્ડમાં લાંબા સમયથી પાણીનો કકળાટ છે. સ્થાનિક ધારાસભ્ય પણ લોકોની ફરિયાદની મે મહિના અગાઉ ઉગ્ર રજૂઆત તંત્ર સમક્ષ કરી ચૂક્યા છે તેમ છતાં આઘાતજનક બાબત એ છે કે ધારાસભ્ય રજૂઆતને પણ કાને ધરી નથી.

જોધપુર વોર્ડની ભાજપની પેનલમાં એક મહિલા કોર્પોરેટર શહેરના પૂર્વ મેયર તરીકે રહી ચૂક્યાં છે. વળી, એક અન્ય કોર્પોરેટર કોર્પોરેશનની એક દમદાર ગણાતી કમિટીના ચેરમેનપદને શોભાવી રહ્યાં છે, પરંતુ જોધપુર વોર્ડના કેટલાક વિસ્તારના રહીશો પીવાના પાણી માટે રીતરસના ટળી રહ્યા છે. આ રહેવાસીઓએ વિવિધ પ્રકારે પોતાનો રોષ પણ ઠાલવ્યો છે, પરંતુ સ્થિતિ યથાવત્ રહી છે.

કોર્પોરેશનના પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઈટ જેવા પ્રશ્નોને ચર્ચવા શહેરના સંસદસભ્યો અને ધારાસભ્યોની કોર્પોરેશન સાથેની સંકલન સમિતિની બેઠક મહિનામાં એક વાર મળે છે. બે મહિના અગાઉ મળેલી સંકલન સમિતિની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યે સંબંધિત મ્યુનિસિપલ અધિકારીઓ સમક્ષ જોધપુર વોર્ડના રામદેવનગર સહિતના વિસ્તારમાં લોકો પાણી-પાણીના પોકાર પાડતા હોવાની રજૂઆત કરી હતી તે વખતે આ અધિકારીઓએ ધારાસભ્યને લોકોને તત્કાળ પાણીની સમસ્યામાંથી રાહત અપાવવાની ખાતરી આપી હતી, પરંતુ આમાં કડવી વાસ્તવિકતા એ છે કે હજુ સુધી પાણીની તંગી યથાવત્ છે.

આમાં સૌથી વધુ હેરત પમાડે તેવી બાબત એ છે કે સત્તાધીશોએ જોધપુર વોર્ડમાં ચોવીસ કલાક પાણીનો પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. એક તરફ તંત્ર જોધપુરના રહેવાસીઓને ચોવીસ કલાક પાણી મળતું થશે તેવા દીવાસ્વપ્ન બતાવે છે બીજી તરફ લોકોને સ્ટેગરિંગ પદ્ધતિથી દરરોજ બે કલાક પાણી પણ નિયમિત અપાતું નથી.

દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે આજે સવારે દક્ષિણ ઝોનની ઝોનલ કચેરી ખાતે મુખ્યત્વે પાણી સહિતના પ્રશ્નોના સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ દરમિયાન વોટર સપ્લાય કમિટીના ચેરમેન રમેશ દેસાઈને જોધપુરમાં પાણીની સમસ્યા હોવા અંગે પૂછતાં તેઓ કહે છે, ‘હાલમાં જોધપુરમાં પાણીની કોઈ તંગી નથી.’
http://sambhaavnews.com/

You might also like