…તો અમદાવાદમાં મોલ, મલ્ટિપ્લેક્સ અને હોટલ ૨૪ કલાક ધમધમતાં થશે

અમદાવાદ: અમદાવાદ શહેરના કેટલાક મોલ અને હોટલ્સ છેલ્લા ઘણા સમયથી ર૪ કલાક ચાલુ રાખવાની માગ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે મોલ્સ, સિનેમા હોલ, રેસ્ટોરાં અને બેંકને ર૪ કલાક ખુલ્લા રાખવાની લીલીઝંડી આપી છે.

રાજ્ય સરકાર કેન્દ્રના નિર્ણયનો અમલ કરવા હકારાત્મક છે. રેસ્ટોરાં, હોટલ, મોલ્સ એસોસિયેશન જો આ અંગેની દરખાસ્ત કરશે તો મંજૂરી અપાશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં હોટલ શોપ્સ અને એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને મંજૂરી અપાઇ છે. અમદાવાદ સહિત રાજ્યભરના મોલ રેસ્ટોરન્ટ, થિયેટર, હોટલો, શનિ-રવિ ફુલ જાય છે. પરંતુ બાકીના દિવસોમાં તેનો નિભાવ કરવાનું અઘરું બને છે.

આ સંજોગોમાં મોડલ એકટ મંજૂર થતાં હવે ગુજરાતના મોલ્સ, હોટલ અને થિયેટર પણ ર૪ કલાક ખુલ્લાં રહી શકશે જેનો ફાયદો ગ્રાહકો અને માલિકો બંનેને થશે કેન્દ્ર સરકારે આ બાબતે અમલ કરવાનું રાજ્ય સરકારો પર છોડ્યું છે.

પરંતુ ગુજરાત સરકાર આ બાબતે પોઝિટિવ હોઇને હવે અમદાવાદના રેસ્ટોરાં અને થિયેટર, મોલ, હોટલો હવે રાત્રે પણ ધમધમતાં રહેશે. આ એક્ટને લાગુ કરવો ફરજિયાત નથી પણ અમદાવાદ સહિત રાજ્યના કોઇપણ એસોસિયેશન દ્વારા આ બાબતે મંજૂરી આપતી દરખાસ્ત સરકારમાં રજૂ કરવી જરૂરી છે. હાલમાં કેટલીક હોટલોમાં ર૪ કલાક કોફી શોપ ચાલે છે જે રાત્રીના સમયે ગ્રાહકોથી ધમધમે છે.

જોકે આ સમગ્ર પ્રક્રિયાને પાર પડતાં ૬ માસ જેટલો સમય લાગી શકે તેમ છે. અા અંગે ગુજરાત મલ્ટિપ્લેકસ થિયેટર એસો.ના પ્રમુખ મનુભાઇ પટેલે જણાવ્યું હતું કે, જે થિયેટર માલિકો ર૪ કલાક થિયેટર ખુલ્લું રાખવા માગતા હશે તેમના તરફથી અમે રાજ્ય સરકારને મંજૂરી માટે દરખાસ્ત મૂકીશું. જોકે સૌથી વધુ માગણી હોટેલ, રેસ્ટોરન્ટ અને મોલમાંથી આવવાની શક્યતા છે.

આ અંગે ગુજરાત હોટેલ એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઇ સોમાણીએ જણાવ્યું હતું કે અમદાવાદની ૭૦ અને રાજ્યની ૧પ૦થી વધુ ‘એ’ કેટેગરીની હોટલો આના માટે મંજૂરી માગશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે ટુરિઝમ વધશે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે. ‘આ પગલું ખૂબ જ આવકારદાયક છે.’

You might also like