મ્યુનિ.ની કેટલીક મહત્ત્વની કમિટીમાં મહિલાઓને ચેરમેન બનાવાશે

અમદાવાદ: આગામી તા. ૬ જાન્યુઆરી, ૨૦૧૬એ મ્યુનિ. નીચલી કમિટીઓની રચના કરાશે. ભાજપ શાસિત કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા એમ છ ટોચના હોદ્દા ઉપરના હોદ્દેદારોની પસંદગી થઈ ગઈ છે, પરંતુ નીચલી કમિટીઓનું કોકડું ગૂંચવાયું હતું.

આ કમિટીઓમાં ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારને પૂરતું મહત્ત્વ અપાશે તેવું જાણ‍વા મળ્યું છે. ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી હજુ સુધી લાલાભાઈ ઠાકોરને પક્ષના દંડક તરીકે પસંદ કરાયા છે, જોકે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના મત વિસ્તાર ઘાટલોડિયાને આ ઉપરાંત મહત્ત્વની ગણાતી કમિટીમાં પ્રતિનિધિત્વ અપાશે.

રોડ-બિ‌લ્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન કાંતિ પટેલ અને વોટર સપ્લાય કમિટીના પૂર્વ ચેરમેન જિજ્ઞેશ પટેલ જેવા ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના કોર્પોરેટરોને પુનઃ મોભાદાર કમિટીઓનું ચેરમેનપદ મળી શકે છે.

આ ઉપરાંત અત્યાર સુધી મહિલાઓને મહિલા-બાળ વિકાસ કમિટી અને રિક્રિએશનલ કમિટીનું ચેરમેનપદ અપાતું રહ્યું છે, પરંતુ આ વખતે પ્રથમ વાર કોર્પોરેશનની ચૂંટણી ૫૦ ટકા મહિલા પ્રતિનિધિત્વ સાથે યોજાઈ હોવાથી નીચલી કમિટીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. આ બે કમિટીઓની સાથેસાથે અન્ય મહત્ત્વપૂર્ણ કમિટીઓ પણ મહિલાઓને અપાશે. મહિલાઓમાં કુસુમબહેન જોષી, બીજલબહેન પટેલ, નંદિનીબહેન પંડ્યા, ભાવનાબહેન નાયકને કમિટીઓમાં યોગ્ય મહત્ત્વ અપાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત હાઉસિંગ, હેલ્થ અને હોસ્પિટલ જેવી અગત્યની કમિટીઓમાં મહિલાઓને ડેપ્યુટી ચેરમેન તરીકે પસંદ કરાય તેવી પણ સંભાવના છે, જોકે હજુ અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું નથી, જે આવતી કાલે સાંજે મોવડીમંડળની બેઠક બાદ
નક્કી થશે.

You might also like