પાટીદારોના સમર્થન માટેની રેલીની આયોજન બેઠકમાં કોંગ્રેસના આગેવાનોમાં ડખા

ગાંધીનગર : પાટીદારોના સમર્થનમાં આગામી તા. પાંચમી જાન્યુ.ના રોજ કોંગ્રેસ દ્વારા યોજાનારી જનઆક્રોશ રેલીના આયોજન માટે મળેલી શહેર કોંગ્રેસની બેઠકમાં પક્ષના સિનિયર દલિત આગેવાને ઉઠાવેલા પ્રશ્નોના કારણે હંગામો મચી ગયો હતો. જો કે બાદમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યમાં પાટીદારો સામે સરકાર દ્વારા કરાયેલા ખોટા કેસોને પરત લેવા અને ખોટા કેસમાં જેલ હવાલે કરાયેલા પાટીદાર યુવાનોને છોડાવવા માટે પાટીદાર સમાજ દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે.

આ આંદોલનને કોંગ્રેસ પક્ષ દ્વારા સમર્થન અપાયું છે. આ આંદોલનના ભાગરૂપે તા. પાંચમી જાન્યુઆરીના રોજ એક જનઆક્રોશ રેલીનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું છે. આ રેલીના આયોજન માટે આજે શહેર કોંગ્રેસની એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ અને દલિત આગેવાન પ્રવીણ રાષ્ટ્રપાલ દ્વારા કેટલાક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. જેથી અન્ય કેટલાક આગેવાનો દ્વારા તેમનો વિરોધ કરાયો હતો. જેના લીધે બેઠકમાં હંગામો મચી ગયો હતો.

જો કે બાદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ દ્વારા મામલાને થાળે પાડવામાં આવ્યો હતો. આમ છતાં રાષ્ટ્રપાલ અને તેમના બે ચાર સમર્થકો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. આ અંગે ચેતન રાવલનો સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં કોઈ હંગામો મચ્યો નથી. સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલને કેટલાક મુદ્દે તેમના મનમાં ગેરસમજ હોય તે અંગે સવાલ કર્યા હતા. જે અંગે પક્ષની જે નીતિ છે તે અંગે સ્પષ્ટતા કરી તેમની ગેરસમજ દૂર કરવામાં આવી હતી. બેઠકને મુલતવી રાખવામાં આવી ન હતી તેમ પણ તેમણે જણાવ્યું હતું.

You might also like