એસ.પી.જી.ના અધ્યક્ષ લાલજી પટેલને જાનથી મારી નાખવા ધમકી

મહેસાણા : એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને આજે ફોન ઉપર અમદાવાદ ભાજપના એક યુવા અગ્રણીએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેમણે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી હતી. મહેસાણા જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, તેના ભાગરૂપે અત્યારે યોજાઇ રહેલા કૃષિમેળાઓમાં ઠેરઠેર વિરોધાત્મક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

તે અંતર્ગત આજે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલને આજે ફોન ઉપર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંરહેતા ભાજપના યુવા આગેવાન સુહાગ પટેલે જાનથી મારી નાંખવાની ધમકી આપીને તમે કોંગ્રેસના રવાડે ચઢવાનું બંધ કરી દો તેમ કહીને ગાળો બોલી હતી. તેમજ તમે મારા વિસ્તારમાં આવશો તો જાનથી મારી નાંખીશું તેવું કહ્યું હતું. આ અગાઉ મેસેજ દ્વારા પણ ધમકી આપતા રહ્યા હોવાનું લાલજી પટેલે જણાવ્યું હતું.

આ અંગે તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકે ભાજપના યુવા આગેવાન સુહાગ પટેલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે લાલજી પટેલને ફોન પર મળેલી ધમકીઓ અંગેની મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાઇ છે.

You might also like