શહેરમાં બે પરિણીતા સહિત યુવકે કરેલો આપઘાત

અમદાવાદ : શહેરના ત્રણ વિસ્તારમાં બે પરિણીતા સહિત એક યુવકે વિવિધ કારણોસર આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આપઘાતના પ્રથમ બનાવમાં રખિયાલની કાસમછીપાની ચાલીમાં રહેતી યાસ્મીનબાનુ મહંમદતોફીક અંસારી (ઉ.વ.૧૯)ને કાંકરિયા જવું હોવાથી તેણે તેના પતિને જણાવતા પતિએ ના પાડી હતી. આ બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો. દરમિયાન આ બાબતે લાગી આવતા યાસ્મીનબાનુએ ગઈકાલે બપોરના બે કલાકે તેના ઘરમાં પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે રખિયાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં ગોમતીપુરના બળિયાકાકા ચાર રસ્તા પાસેની છીપાની ચાલીમાં રહેતી રૂપાબહેન દિપકભાઈ બાબરીયા (ઉ.વ.૨૫)ને પિયર જવું હતુ. તેથી તેણે તેના પતિને વાત કરતા પતિએ હમણાં ઉત્તરાયણનો તહેવાર આવે છે તેથી તહેવાર બાદ પિયરમાં જવાનું જણાવ્યું હતુ. આ બાબતે રૂપાબહેનને મનમાં લાગી આવતા તેણીએ ગઈકાલે બપોરના બે વાગે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં સાંજે છ કલાકે તેનું મોત થયુ હતુ. અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ત્રીજા બનાવમાં સરસપુરની શાહ પોપટલાલ મોહનલાલની ચાલીમાં રહેતા કમલેશ ગણપતભાઈ ગોહેલ(ઉ.વ.૨૫)એ ગત ૨૬મી ડિસેમ્બરના રોજ કોઈ કારણસર તેના ઘરમાં ફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં ગઈકાલે બપોરે ત્રણ કલાકે તેનું મોત નિપજ્યું હતુ.

આ અંગે શહેર કોટડા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ શહેરમાં આપઘાતના વિવિધ ત્રણ બનાવમાં બે પરિણીતા સહિત એક યુવકનું મોત નિપજ્યુ છે.

You might also like