નિવૃત્ત DGPના ઘરમાંથી ૧.૪૭ લાખની મતાની લૂંટ

અમદાવાદ : શહેરના બોપલ વિસ્તારમાં રહેતા નિવૃત્ત ડિવાયએસપીના ઘરે ગત રાત્રના તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ નિવૃત્ત ડિવાયએસપી અને તેમના પત્નીને માર મારીને રૂ. ૧.૪૭ લાખની મતાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આ ઘટનામાં ધોકા ગેંગનો હાથ હોવાની પોલીસને આશંકા છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સિદ્ધાનંદ બંગલોઝમાં નિવૃત્ત ડિવાયએસપી એચ. કે. શર્મા તેમના પત્ની સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે.

શનિવારે રાતના શર્મા અને તેમના પત્ની ઘરે એકલા હતા. ત્યારે રાત્રીના દોઢ વાગ્યાના સુમારે કેટલાક અજાણ્યા શખસો તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. ઘરમાં ઘૂસી આવેલા તસ્કરોએ મકાનમાં રહેલી તિજોરીના તાળાં તોડીને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને રૂ.૧.૪૭ લાખની મતાની ચોરી કરીને જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અવાજ થતાં નિવૃત્ત ડિવાયએસપી એચ. કે. શર્મા જાગી ગયા હતા.

શર્માને ઘરમાં કોઈ ઘૂસી આવ્યું હોવાનું જણાતાં તેઓ ઊભા થઈને બેડરૂમની બહાર આવ્યા હતા. તેમણે તસ્કરોને જોતાં તેમને પડકાર્યા હતા. જેના કારણે તસ્કરોએ તેમની સાથે લાવેલા ધોકા વડે શર્મા અને તેમના પત્નીને માર મારી ઈજા પહોંચાડીને રૂ. ૧.૪૭ લાખની મતા લૂંટીને નાસી ગયા હતા. આ ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચતાં શર્મા અને તેમના પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે બોપલ પોલીસમથકમાં ગુનો નોંધાવાયો છે.

જે અંગે પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં જાંબુઆ અને દાહોદ પંથકની ધોકા ગેંગ સંડોવાયેલી હોવાનું પોલીસ માની રહી છે. કારણ કે અગાઉના દિવસોમાં ગુજરાતમાં જાંબુઆ અને દાહોદની ધોકા ગેંગ સક્રિય હતી.

જેના કેટલાક સભ્યો થોડા સમય પહેલાં પકડાયા હતા. આ ગેંગના સભ્યોની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓ મહેનત કરીને માલ મેળવવા માટે પહેલાં લૂંટ કરે છે. અને ત્યાર બાદ મકાનના માલિકને માર મારે છે. આ બાબત બોપલની ઘટનામાં જોવા મળી હોવાથી પોલીસનું અનુમાન છે કે આ લૂંટની ઘટના ધોકા ગેંગનું કારનામું હશે.

You might also like