દિલ્હી-કાનપુર શતાબ્દી ટ્રેનમાં બોમ્બની ધમકીથી ટ્રેન અટકાવાઈ

નવી દિલ્હી : શતાબ્દી એકસપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ સવારે ૭ કલાકે દિલ્હી પાસેના ગાઝિયાબાદ સ્ટેશને ટ્રેનને રોકવામાં આવી હતી. ટ્રેન ખાલી કરાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ સામગ્રી ન મળી આવતા ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

રેલવે બોર્ડને દિલ્હી-કાનપુર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. રેલવે બોર્ડ દ્વારા આ માહિતી મુંબઈ એટીએસને આપવામાં આવી હતી. દિલ્હી-કાનપુર શતાબ્દીમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ નવી દિલ્હીથી ઉપડતી તમામ ટ્રેનોને અટકાવવામાં આવી હતી. આ ટ્રેનો ઉપરાંત પ્લેટફોર્મ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

એએસઆઈએ ચીફ સ્ટેશન મેનેજરને પત્ર લખીને દિલ્હી-કાનપુર જતી તમામ ટ્રેનોની તપાસ કરવાની સૂચના આપી હતી. ઉત્તર રેલવેના સીપીઆરઓ નીરજ શર્માએ જણાવ્યું કે, બોમ્બની ધમકી મળ્યા બાદ ગાઝિયાબાદ રેલવે સ્ટેશને ટ્રેન ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

જોકે કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા ટ્રેનને રવાના કરવામાં આવી હતી. પઠાનકોટ એરબેઝ પર થયેલા હુમલા બાદ રેલવેએ બોમ્બની ધમકીને ગંભીરતા પૂર્વક લઈ તપાસ હાથ ધરી હતી.

You might also like