નકસલીઓએ પૂણેના ત્રણ વિદ્યાર્થીઓને મુક્ત કર્યા

પૂણે : છત્તીસગઢના બીજાપુર વિસ્તારમાંથી અપહરણ કરાયેલા પૂણે મેનેજમેન્ટના ત્રણ વિદ્યાર્થીઓને નકસલીઓએ છોડી મૂક્યા છે. શાંતિ સ્થાપવાના ઉદ્દેશ સાથે સાઈકલ પ્રવાસ પર નીકળેલા પૂણેના ચાર વિદ્યાર્થીઓનું નક્સલીઓએ અપહરણ કર્યું હતું. જોઈન્ટ પોલીસ કમિશનર સુનિલ રાનડેએ ગઈકાલે જણાવ્યું હતું કે છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓના વડા પપ્પૂ રાવે પૂણેના ચાર વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. તેમણે કહ્યું કે અપહરણ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી ત્રણની ઓળખ થઈ છે. તેમના નામ શ્રીકૃષ્ણ શેવાલે, વિલાસ વાલ્કે તથા આદર્શ પાટિલ હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત પૂણેની એસ.પી. કૉલેજના બે વિદ્યાર્થી પણ ‘ભારત જોડો’ માટે શાંતિ માર્ચ કાર્યક્રમમાં નકસલ પ્રભાવિત છત્તીસગઢ, ઓડિશા તથા મહારાષ્ટ્રમાં સાઈકલ યાત્રા પર છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રના સરહદી વિસ્તાર છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શકમંદ નક્સલીઓએ અપહરણ કર્યું હતું.
રાનડેએ જણાવ્યું કે તેમણે આ બાબતે છત્તીસગઢ પોલીસનો સંપર્ક કર્યો હતો. અપહરણ કરાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ માટે અભિયાન શરૂ કરાયું છે તેમજ ત્યાંના અધિકારીઓ સતત સંપર્કમાં છે.

નક્સલીઓએ ત્રણ વિદ્યાર્થીઓને છત્તીસગઢના સુકમા જિલ્લામાં છોડી મૂક્યા હતા. બસ્તર રેન્જના આઈ.જી.પી. કલ્લુરીએ જણાવ્યું હતું કે યુવકોને છોડી મૂકવામાં આવ્યા હતા અને તેઓ સહીસલામત રીતે ચિંતલનાર પોલીસ કેમ્પ પહોંચી ગયા છે. આ ત્રણેનું અપહરણ કરાયા બાદ તેમને જાગરગુંડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચિંગર નજીક તિમ્માપુરમ્ ગામ નજીકના જંગલમાં માઓવાદી કમાન્ડર પાપા રાવના કબજામાં રાખવામાં આવ્યાં હતાં.

અપહરણના સમાચાર મળ્યા તે પછી પોલીસે તરત જ દક્ષિણ બસ્તરમાં નકસલીઓ વિરોધી અભિયાન બંધ કરી દધાં હતાં.પાછળથી પોલીસ આ ત્રણે વિદ્યાર્થીઓની ભાળ મેળવવામાં સપળ થઈ હતી જેને પગલે તેમના સહીસલામત છૂટકારા માટે જુદા જુદા સ્ત્રોતો મારફતે અપહરણકારો સાથે વાટાઘાટો થઈ હતી.

આ વિદ્યાર્થીએ ગઈ ૨૦મી ડિસેમ્બરે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશાના શાંતિનો સંદેશ ફેલાવવા સાઈકલ પર ‘ભારત જોડો’ અભિયાન હેઠળ પૂણેથી નીકળ્યા હતા. આ ત્રણે રાજ્યો છેલ્લાં ત્રણ દાયકાથી નકસલવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. તેમની સાઈકલ યાત્રા ઓડિશામાં બાલમેલા ખાતે ૧૦મી જાન્યુઆરીએ પૂરી થવાની હતી.

You might also like