પ્રેમિકાને આકર્ષવા યુવાન કરતો આવુ ગંદુ કામ

નસવાડી : નસવાડી પોલીસે ૨ મહિનામાં ચોરાયેલ ૧૨ મોટરસાઇકલોના ચોરીનો ભેદ ઉકેલ્યો છે.મધ્યપ્રદેશના તસ્કરો દિવસ દરમિયાન નસવાડીમાં આવીને સોસાયટીવાળા વિસ્તારોમાં ફરીને નવી મોટરસાઇકલો કોના ઘરે છે તેની તપાસ કરતાં અને સાંજ પડતાંની સાથે ખેતરોમાં જઇ છૂપાઇ જતાં રાત્રે ૨ વાગ્યે ગેંગ બનાવીને સ્ટિયરીંગ લૉક તોડીને મોટરસાઇકલની ઉઠાંતરી કરતાં હતાં.

આ ગેંગમાં ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો એક યુવાન તેની પ્રેમિકાને આકર્ષવા માટે નવા કપડાં અને ગિફટો આપવા માટે પૈસાની જરૂરિયાત ઉભી થતાં ચોરીના રવાડે ચડયો, જયારે આ ગેંગમાં ૩ આરોપી અત્યાર સુધી નસવાડી પોલીસે પકડયા અને ૭ દિવસના રિમાન્ડમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. નસવાડી પોલીસને ભરશિયાળે પરસેવો છોડાવતી મધ્યપ્રદેશની મોટરસાઇકલ ચોર ગેંગ છેલ્લા ૨ માસમાં નસવાડીમાંથી ૧૨ મોટરસાઇકલો ચોરી ગઇ હતી.

જેના કારણે નસવાડી પોલીસ વાહન ચેકિંગમાં હતી તે વખતે મોટરસાઇકલ ગેંગનો મુખ્ય સૂત્રધાર સચિન ઉર્ફે નેહાલસિંઘને ઝડપી પાડતા તેણે તપાસમાં નસવાડીની અલગ અલગ વિસ્તારોમાંથી ૧૨ મોટરસાઇકલો ચોરી હોવાનું કબૂલ્યું. જયારે તેની સાથે બીજા ૨ ઇસમો જેમાં એક ૧૭ વર્ષનો યુવાન અને બીજો વાંગરિયાભાઇ સુરપાલભાઇ ભીલ આમ ત્રણ જણાંને ઝડપીને આઠ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં જેમાં ચોંકાવનારી વિગતો સચિન ઉર્ફે નેહાલસિંઘે પોલીસને જણાવી હતી.

જેમાં તેની આઠ જેટલી ગર્લફ્રેન્ડ છે અને ગર્લફ્રેન્ડો પાછળ પૈસા ઉડાવવામાં ધોરણ ૧૧ સાયન્સ અભ્યાસ કરતો હતો ત્યારથી જ ચોરીના રવાડે ચડયો હતો. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યાર સુધી ૫૦ જેટલી બાઇકો ચોરી છે. દરેક વિસ્તારમાં સ્ટિયરીંગ લૉક કરેલી નવી બાઇકની રેકી કરીને મોડી રાત્રે પોલીસથી બચીને ગણતરીની સેકન્ડોમાં સ્ટિયરીંગ લૉક તોડીને થોડે સુધી મોટરસાઇકલને ચલાવીને તેના સાથીદારને મોટરસાઇકલ આપી દેતો અને મધ્યપ્રદેશ મોટરસાઇકલ પહોંચાડી દેતો હતો. ત્યાર બાદ આ મોટરસાઇકલ ૮થી ૧૦ હજારમાં વેચી દેતો.

ગુજરાત રાજ્યમાં ચોરીના ગુનામાં જામીન મળી જતાં હોવાથી ચોરી કરવાનું સહેલું પડે છે, ગત વર્ષ છોટાઉદેપુર પોલીસે પણ ચોરીના ગુનામાં પકડયો હતો, પરંતુ તેને જામીન મળી ગયા હતાં. જેના કારણે પોલીસનો ડર આ યુવાનને લાગતો ન હતો.મોટર સાઇકલ ચોરી કરીને ગર્લફ્રેન્ડો પાછળ પૈસા ખર્ચી દેતો હતો, ૧૨ સાયન્સમાં પ્રથમ સત્રમાં ૫૫ ટકા મેળવીને પાસ થયેલ છે, જયારે બીજો ૧૭ વર્ષનો યુવાન હતો તે ૧૨ કોમર્સમાં અભ્યાસ કરે છે તે સરકારી કર્મચારીનો પુત્ર હોવાનું પણ બહાર આવ્યું છે.

You might also like